શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પિતા-પુત્રનું બાઈક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના માસુમને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે પિતાનું મોત નીપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા અંબેડકરનગર રહેતા વશરામભાઇ પૂંજાભાઈ પરમાર નામનો 43 વર્ષનો યુવાન ગઈ કાલે બપોરે ટીફીન લઈને પોતાના 10 વર્ષના પુત્ર રાજવી પરમાર સાથે સ્કૂટર લઇને ઘરેથી નીકળ્યા હતા બાદમાં બપોરે દોઢેક વાગ્યા આસપાસ તે પરત આવતા હતા ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બેલેન્સ ગુમાવતા સ્કૂટર બંધ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા વશરામભાઇ પરમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વશરામભાઈ પરમાર બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેને સંતાનમાં બે પુત્રો છે. વશરામભાઈ પરમાર સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા વશરામભાઈ પરમાર પોતાના પુત્ર સાથે ટિફિન લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વશરામભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર રાજવીરને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અંગ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
