ઝેરી દવા ગટગટાવી જિંંદગી ટૂંકાવી લીધી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક પટેલ પ્રૌઢએ પોતાના બે પુત્રો ના સગાઈ લગ્નના ખર્ચની ચિંતામાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા દિનેશભાઈ પરસોત્તમભાઈ અકબરી નામના 52 વર્ષના પ્રૌઢ કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર કિશન દિનેશભાઈ અકબરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યની પોલીસ ટીમે નિકાવા ગામે તેમ જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના બે પુત્ર કે જેઓની સગાઈ તેમજ લગ્ન કરવાના બાકી હોય, અને બંનેના લગ્નના ખર્ચની ચિંતા કરતા હોવાના કારણે તેઓએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
