રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય લોકો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ વધુ એક ધટના સામે આવી છે. સુરતના અમરોલીમાં પુત્રની કાળી કરતૂતનો ભોગ પિતા બન્યા. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને હેરાન કરી ધમકી આપતાં હતાં. જેથી ટેન્શનમાં આવીને પિતાએ સુસાઈડ નોટ લખીને જીવન ટુંકાવ્યું.
મળતી માહિતી અનુસાર સુરતના અમરોલીમાં પ્રમુખ હાઈટમાં રહેતા 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયાએ ઘરની નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જઈ અનાજમાં નાખવાની દવા પી ગયા હતાં.ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
તેમના સંબંધીઓએ કહ્યું કે, પ્રાગજીભાઈ મૂળ ભાવનગરના લીમડાના વતની હતાં. તેમને સંતાનમાં મોટો પુત્ર આશિષ રત્નકલાકારનું કામ કરે છે. નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ મિક્સ મશીન ચલાવતો હતો. રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે. જો કે, તે ક્યાંક ચાલ્યો ગયો છે. જો કે લેણદારો અને તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતાં હતાં. જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હતું.
તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો. ત્યારે તે ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું. સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.