કોઠારિયા સોલવન્ટમાં તલવાર-ફરસી વડે પિતા-પુત્ર પર હુમલો

જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ પરિવાર પર હુમલો કરી આતંક મચાવ્યો ટોળકી સામે રાયોટ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો શહેરના આજીડેમ પોલીસ…

જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ પરિવાર પર હુમલો કરી આતંક મચાવ્યો

ટોળકી સામે રાયોટ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોઠારીયા સોલવંટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે લોહિયાળ અથડામણની ઘટના બની હતી. ત્રણ વર્ષ જૂના ઝઘડા અને હાલમાં કોર્ટમાં ચાલતા કેસનો ખાર રાખીને એક જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારો સાથે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરિયાદી ભીખાભાઈ મીરને ડાબા પગે ગંભીર ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમનો 21 વર્ષીય પુત્ર વિશાલ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં બંને ઈજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી ભીખાભાઈ જીવણભાઈ મીર (ઉં.વ. 42), જે વ્યવસાયે ડ્રાઈવિંગ કરે છે, તેઓ 14 મે 2026ના રોજ રાત્રે આશરે સાડા નવ વાગ્યે પોતાના ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન અચાનક કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલા પાછળનું મુખ્ય કારણ ત્રણ વર્ષ પહેલા ફરિયાદીના મોટા ભાઈ નારણભાઈ સાથે થયેલો ઝઘડો હોવાનું સામે આવ્યું છે. આ જૂની અદાવતને કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, તલવાર, ફરસી અને લાકડીઓ જેવા ભયાનક હથિયારો સાથે સજ્જ થઈને ભીખાભાઈ પર તૂટી પડ્યા હતા.

હુમલાખોરોમાં હાજાભાઈ રામાભાઈ જોગરાણા, તેજાભાઈ વશરામભાઈ જોગરાણા, રામાભાઈ જોગરાણા અને ખોડાભાઈ જોગરાણા સહિત અન્ય કેટલાક શખ્સો સામેલ હતા. હાજાભાઈએ તલવાર વડે ભીખાભાઈના માથા પર સીધો ઘા કર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ લાકડીઓ અને ફરસી વડે આડેધડ માર માર્યો હતો. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર વિશાલને પણ આરોપીઓએ છોડ્યો ન હતો અને તેના માથામાં લાકડીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેને ચાર ટાંકા આવ્યા છે. આટલું જ નહીં, બચાવવા આવેલા મોટા ભાઈ દેવુભાઈને પણ આરોપીઓએ લાકડી વડે ઈજા પહોંચાડી હતી.

આ ગંભીર ઘટના બાદ હુમલાખોરો સ્કોર્પિયો કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજીડેમ પોલીસે ભીખાભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 117(2), 118(2), 189(1), 189(4), 191(1), 191(2), 191(3), 190 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *