ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો

હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા   ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…

હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા

 

ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી, ભુંડ ચોરી કરતા શખ્સોએ વહેલી સવારે ફિલ્મી સ્ટાઈલથી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે કરાયેલા આ હુમલામાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી વિગતો મુજબ પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અને ભુંડ પકડવાનો વ્યવસાય કરતા બલવીરસિંગ સિકલીગરને બાતમી મળી હતી કે કેટલીક ગેંગ પોરબંદરમાંથી ભુંડની ચોરી કરી રહી છે. ગત તા. 31/03/26ના રોજ મોડી રાત્રે તેમના પુત્રો નિર્મલસીંગ અને બલજીતસીંગ આ ચોરો પર નજર રાખી રહ્યા હતા. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેમને જાણ થઈ કે એક સફેદ કલરની જાયલો કાર (GJ-18-AH-3565) માં ભુંડ ભરીને કેટલાક શખ્સો ભાગી રહ્યા છે. બલવીરસિંગ પોતાની બ્રેઝા કાર (GJ-25-BA-1978) લઈને પુત્ર નિર્મલસીંગ સાથે આ જાયલો કારનો પીછો કરવા નીકળ્યા હતા. સવારે સાડા છ વાગ્યાની આસપાસ ઉપલેટા-ધોરાજી બાયપાસ પુલ પાસે પહોંચતા જ, જાયલો કારના ચાલકે પોતાની ગાડી પલટાવીને બલવીરસિંગની કાર સાથે જોરથી ભટકાડી હતી. કાર અથડાતા જ જાયલોમાંથી બોટાદના કરણસીંગ બાવરી અને તેના પિતા બિલ્લાસીંગ બાવરી સહિત પાંચ શખ્સો લોખંડના પાઈપ અને તલવાર સાથે નીચે ઉતર્યા હતા. આ ટોળકીએ પિતા-પુત્ર પર આડેધડ હુમલો શરૂૂ કર્યો હતો. હુમલાખોરોના મારથી બચવા પિતા-પુત્રએ બૂમાબૂમ કરતા આરોપીઓ હથિયારો સાથે નજીકના ખેતરોમાં ભાગી છૂટ્યા હતા.

હુમલામાં બલવીરસિંગને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે તેમના પુત્ર નિર્મલસીંગને માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને સારવાર માટે પ્રથમ ઉપલેટા અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ, હુમલાખોરો કારમાંથી તેમનો ’ઓપ્પો’ કંપનીનો મોબાઈલ પણ લૂંટી ગયા હોવાની શંકા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન જાયલો કારમાંથી અંદાજે 15 જેટલા ભુંડ મળી આવ્યા હતા. પોલીસે કરણસીંગ બાવરી અને બિલ્લાસીંગ બાવરી સહિત પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *