સસ્પેન્ડેડ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સામે 3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ

આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ગુજરાત ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACB દ્વારા હાથ…

આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ગુજરાત ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACB દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં કેતકી વ્યાસની ₹3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ મિલકતો તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 68.84% વધુ હોવાનો આરોપ છે.

આ સમગ્ર મામલો વર્ષ 2012 થી 2023 દરમિયાન કેતકી વ્યાસ દ્વારા તેમના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવા સાથે સંબંધિત છે. અમદાવાદ ACB દ્વારા ગુનો દાખલ કરીને આ કેસમાં સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે કેતકી વ્યાસનું નામ અગાઉ પણ રાજ્યભરમાં ચર્ચા જગાવનાર 2023ના હનીટ્રેપ કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં આણંદના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. કેતકી વ્યાસ, જે.ડી. પટેલ અને અન્ય બે આરોપીઓ આ હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર હતા. કલેક્ટરની ચેમ્બરમાં વીડિયો શૂટ કરીને તેમને ફસાવીને એન.એ. (નોન-એગ્રીકલ્ચર) જમીનો કે અન્ય દસ્તાવેજો પર ખોટી રીતે સહી કરાવવા અથવા સહી કરાવ્યા બાદ મળતા નાણાં પડાવી લેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ક્લિપો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ડી.એસ. ગઢવીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

કેતકી વ્યાસ, જેઓ તે સમયે આણંદના આર.એસ.સી. (રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર) હતા, તેમને નર્મદા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ACB (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા આખો મામલો બહાર આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તેઓ હાલ સસ્પેન્ડેડ છે. આ દરમિયાન જ ACB દ્વારા ગુપ્ત રીતે હાથ ધરવામાં આવેલી તપાસમાં તેમની અપ્રમાણસર મિલકતોનો પર્દાફાશ થયો છે.

તપાસમાં સામે આવ્યું છે કે કેતકી વ્યાસ મામલતદાર તરીકેની નોકરીથી લઈને 2023 સુધી, જ્યાં પણ ફરજ બજાવી ત્યાં માત્રને માત્ર પૈસા કમાવવા અને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવાની તેમની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ કોઈપણ હદ સુધી જતાં ખચકાતા નહોતા, જેના કારણે અનેક મામલતદારો, અધિકારીઓ અને સામાન્ય લોકો પણ તેમનાથી હેરાન-પરેશાન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *