ધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો

પ્રકાશ વરમોરા અને ભાજપના જ આગેવાનો હાજર રહેતા ખેડુતો વિફર્યા, પોલીસને બોલાવવી પડી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો…

પ્રકાશ વરમોરા અને ભાજપના જ આગેવાનો હાજર રહેતા ખેડુતો વિફર્યા, પોલીસને બોલાવવી પડી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસને પણ ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું.

કોંઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, છેલ્લા એક મહિનાથી તેઓ વળતર અને અન્ય પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે, છતાં અત્યાર સુધી તેમની વાત સાંભળવામાં આવી નહોતી. ખેડૂતોના મતે, પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરીથી તેમની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને પૂરતું વળતર મળતું નથી.
આ મુદ્દે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં માત્ર ધારાસભ્ય અને ભાજપના આગેવાનો હાજર હોવાથી ભોગ બનનારા ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ આને રાજકીય બેઠક ગણાવી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તેઓ એક મહિનાથી લડત આપી રહ્યા હતા, ત્યારે જનપ્રતિનિધિઓ ક્યાં હતા? વિરોધ વધતા આગેવાનોએ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની પર દાદાગીરીનો આક્ષેપ કરતા યોગ્ય વળતર અને ન્યાયની માગ કરી હતી. બીજી તરફ, ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂૂબરૂૂ મળી લેખિત રજૂઆત કરવાની તથા ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી છે. હવે ખેડૂતોની નજર સરકાર અને પાવર ગ્રીડ કંપનીના આગામી નિર્ણય પર છે. ખેડૂતોને યોગ્ય વળતર અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ મળે છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *