ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક શરૂૂ થતાં જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. યાર્ડ સત્તાધીશોના આયોજનના અભાવને કારણે ખેડૂતોને નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે એક અકસ્માતમાં ખેડૂતના ધાણાને નુકસાન થયું હતું. જામવાડીથી ચોરડી સુધી ખેડૂતોના જણશી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ સાંકડો બન્યો છે. દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા દ્વારા એક વિડિયો શુટ કરાયો હતો.જેમાં એક પસાર થતા ડમ્પરે ખેડૂતના ધાણા ભરેલા વાહનને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં અંદાજે 10 મણથી વધુ ધાણા રોડ પર વેરાઈ ગયા હતા, જેનાથી ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું.
હર્ષદસિંહ ઝાલાએ આ ઘટના અંગે યાર્ડ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે માર્કેટ યાર્ડ પાસે વિશાળ જગ્યા હોવા છતાં ખેડૂતોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે, માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે અને ગોંડલમાં મોટી આવક દર્શાવવા માટે ખેડૂતોને જોખમી રીતે રોડ પર ઊભા રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ પણ આવા ટ્રાફિક અને કતારોને કારણે અકસ્માતમાં ખેડૂતોના મોત થયા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. ખેડૂતોની માંગ છે કે જો જણસીઓની આવક ખોલવાની જાહેરાત કરવામાં આવી હોય, તો તેમને તાત્કાલિક યાર્ડના સુરક્ષિત પરિસરમાં પ્રવેશ આપવો જોઈએ, જેથી તેમનો માલ અને જીવ બંને સુરક્ષિત રહી શકે તેવુ હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
