પાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણા

પાટડી અને આસપાસના સાત ગામોના ખેડૂતોએ આજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. ખેડૂતોની મુખ્ય માગણી ગણોતધારાની કલમ 192 અને 193, તેમજ કે-1 અને…

પાટડી અને આસપાસના સાત ગામોના ખેડૂતોએ આજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. ખેડૂતોની મુખ્ય માગણી ગણોતધારાની કલમ 192 અને 193, તેમજ કે-1 અને કે-2 પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાની છે.દસાડા તાલુકાના પાટડી, હિંમતપુરા, નારણપુરા, સુરજપુરા અને બામણવા સહિતના ગામોમાં ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને, હિંમતપુરા અને નારણપુરાના લોકો આજ સુધી પોતાના નામે રહેણાંક જમીન કરાવી શક્યા નથી. છેલ્લા 4-5 વર્ષથી પાટડી સીમની જમીનમાં નોંધ નં.192, 193, 194 વાળી જમીનોના રજિસ્ટ્રેશન થતા નથી.

વધુમાં, ખેડૂતોને ખેતીથી ખેતીની જંત્રીના 20 ટકા અને બિનખેતી માટે 40 ટકા પ્રીમિયમ ભરવું પડે છે, જે એક વિઘાની કિંમત જેટલું થાય છે. પાટડી શહેરમાં કે-1, કે-2 સત્તા પ્રકારના કારણે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની સરકારી સહાયથી વંચિત રહે છે.દસાડા તાલુકામાં પાક નિષ્ફળની સહાય માત્ર 25 ટકા ખેડૂતોને જ મળી છે, જ્યારે 75 ટકા ખેડૂતો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે. નવી જંત્રીનો ડ્રાફ્ટ પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે તે વધુ પડતો ઊંચો છે અને નાના ખેડૂતોને વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે.વિક્રમ રબારી, નૌશાદ સોલંકી, પ્રશાંત પારીક, ભકતુ ગઢવી અને અશોક મહેતાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે તો સુરેન્દ્રનગર સુધી પગપાળા કૂચ કરવામાં આવશે.પાટડી પ્રાંત કલેક્ટર અને મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ચિમકી ઉચારી હતી કે, પાટડીમાં 192, 193 અને કે-1, કે-2 પ્રશ્નનો કાયમી નિવેડો નહી આવે તો સુરેન્દ્રનગર પગપાળા કૂચ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *