જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગઈકાલે લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.
વાડીએ જવાના રસ્તે આવતા એક બાવળના ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા 70 વર્ષ ના ખેડૂત બુઝુર્ગ ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દેવાયાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોધી એક ખેડૂતની અટકાયત કરી લીધી છે. જામનગર તાલુકાના મુંગણી ગામમાં પરમદીને હત્યા નો એક બનાવ બન્યા બાદ જામનગર ના ગુલાબ નગર બ્રિજ પર ચાલુ ટ્રેનમાંથી એક દિવ્યાંગ યુવકની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આજે વધુ એક હત્યા નો ગુનો સામે આવ્યો છે.
લાલપુર તાલુકા ના નાંદુરી ગામના 70 વર્ષની વયના ખેડૂત બુઝુર્ગ પર હુમલો કરી તેની હત્યા નિપજાવાઈ છે. નાંદુરી ગામમાં રહીને ખેતી કામ કરતા જેતાભાઈ ભીખાભાઇ કરંગીયા (ઉંમર વર્ષ 70), કે જેઓને તે જ ગામમાં રહેતા ખીમાભાઈ લખમણભાઇ કરંગીયા કે જેઓએ સેઢાની વચ્ચે આવેલા સરકારી ખરામાં ઉગેલા એક બાવળના ઝાડને કાપવાના પ્રશ્ને આજથી બે દિવસ પહેલાં તકરાર કરી હતી. ત્યારબાદ ગઈકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં ખીમાભાઈ કરંગીયા ઉસકેરાઈ ગયો હતો, અને ખેડૂત જેતાભાઈ કરંગીયા ના માથામાં ખેતીવાડીમાં નિંદામણ કરવાના કામ માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સળિયા વડે હુમલો કરી દીધો હતો.
હાલમાં 108 મારફતે તેઓને સૌપ્રથમ લાલપુર ની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે હુમલા અને હત્યા ના બનાવ અંગે મૃતક જેતાભાઈના પુત્ર નગાભાઈ જેતાભાઈ કરંગીયાએ પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગે શેઢા પાડોશી ખીમાભાઈ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે બી.એન.એસ. એક્ટ સને 2023ની કલમ 103(1), જી.પી.એક્ટ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીને અટકાયતમાં લઈ લીધો છે.
