સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150 ગ્રામ ગાંજા સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાં નશાકારક પદાર્થોનુ વેચાણ દિવસે દિવસે વધતા જિલ્લા પોલીસ વડાએ આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને તેના વેચાણ કરતા લોકો સામે કાર્યવાહીની સૂચના આપી હતી. આથી એસઓજી ટીમ બનાવી તપાસ હાથ ધરાઇ હતી.
ટીમ ધજાળા વિસ્તારમાં હોવા દરમિયાન પીઆઇ બી.એચ. સીંગરખીયાને ગેરકાયદે ગાંજા અંગે બાતમી મળી હતી. આથી ધજાળા ગામના સુમિત ઉર્ફે સુમો હસમુખભાઇ મેણીયાના ભોગવટા વાળી વાડીમાં તપાસ કરતા લીલા ગાંજાના છોડ વાવેલા મળી આવ્યા હતા. આથી પૂછપરછ કરતા પોતે આ ગાંજાના છોડ વેચાણ માટે વાવેલ હોવાનું જણાવ્યું હતું. આથી લીલા ગાંજાના 13 છોડ વજન 4 કિલો 150 ગ્રામ કિંમત રૂૂ.41500 જપ્ત કરાયા હતા. જ્યારે આરોપીની અટક કરી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ એન.એ.રાયમા, અશ્વિનભાઇ, અરવિંદસિંહ, અનિરૂૂધ્ધસિંહ, મહાવિરસિંહ સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.
