ધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારનો યુવકના ઘરે આવી હુમલો

ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં દોઢ મહિના પૂર્વે થયેલા પ્રેમ લગ્નનો ખાર એક જ પરિવારના સભ્યો સહિત કુલ 10 શખ્સોની ટોળકીએ હથિયારો વડે યુવક અને તેના…

ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં દોઢ મહિના પૂર્વે થયેલા પ્રેમ લગ્નનો ખાર એક જ પરિવારના સભ્યો સહિત કુલ 10 શખ્સોની ટોળકીએ હથિયારો વડે યુવક અને તેના કાકા પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે ભાડેર ગામના રહેવાસી જિતેશભાઈ લખમણભાઈ મુછડીયા (ઉં.વ. 40) ના કુટુંબી ભાઈ નયન મુછડીયાએ આશરે દોઢ મહિના પહેલા ગામના જ સુરેશભાઈ જકાભાઈ મુછડીયાની પુત્રી મધુ ઉર્ફે માધવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન સંબંધથી નારાજ સુરેશભાઈ અને તેમનો પરિવાર અવારનવાર મનદુ:ખ રાખતો હતો. બે દિવસ પૂર્વે જયારે જિતેશભાઈ પાનની કેબીન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સુરેશભાઈ એ જીતેશના કાકા ખીમજીભાઈ વીરાભાઈ સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. જિતેશભાઈ વચ્ચે પડતા જ ઉશ્કેરાયેલા સુરેશભાઈએ તેમના માથા પર લાકડીનો ફટકો મારી દીધો હતો.

આ હુમલા દરમિયાન સુરેશભાઈની વહારે મનસુખ મુછડીયા, પંકજ મુછડીયા, અંજુબેન, વર્ષાબેન, જસ્મીનાબેન, સાવન, જકાભાઈ તેમજ અરવિંદ ચનાભાઈ અને કાનો રામજીભાઈ સહિતના 10 લોકો ધસી આવ્યા હતા અને બંને કાકા-ભત્રીજાને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ભોગ બનનારને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિતેશભાઈએ આ મામલે પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણવાવ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *