પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મદદગારી કરનાર આરોપીના કૌટુંબિક ભાઈની મદદગારી બદલ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીએ જ મુખ્ય આરોપીઓને હત્યાનો ભોગ બનનાર યુવકની કારનો નંબર આપ્યો હતો, જેના આધારે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પડધરી પંથકમાં ખખડાબેલામાં બે વર્ષ પૂર્વે તરુણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ભોગ બનનાર તરુણીના સંબંધી યુવરાજસિંહની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ મુખ્ય હત્યા કેસમાં પોલીસે અગાઉ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે આ બંને આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ શરૂૂ કરી ત્યારે આ ગુનામાં મદદગારી કરનાર ત્રીજા શખ્સનું નામ સામે આવ્યું હતું. પોલીસે ખાખડાબેલાના પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી પૃથ્વીરાજસિંહે જ હત્યામાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓને મૃતક યુવરાજસિંહની કારનો નંબર આપ્યો હતો. આ ચોક્કસ માહિતીના આધારે પડધરી પોલીસે પૃથ્વીરાજસિંહની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી પૃથ્વીરાજસિંહ એ અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી મહેન્દ્રસિંહનો કૌટુંબિક ભાઈ થાય છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓને મનમાં એવો ડર હતો કે જો આ કેસ આગળ ચાલશે તો તેમને કોર્ટમાંથી ચોક્કસપણે સજા થશે અને જેલ ભેગા થવું પડશે. આ કાનૂની ગૂંચ અને કડક સજામાંથી બચવા માટે આરોપીઓ કોઈપણ ભોગે આ મામલે કાયદાકીય સમાધાન કરવા માંગતા હતા. તેઓએ આ માટે દબાણ પણ કર્યું હતું, પરંતુ મૃતક યુવરાજસિંહ આ દુષ્કર્મના કેસમાં કોઈપણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નહોતા.
યુવરાજસિંહે સમાધાન ન કરવાના વલણથી ઉશ્કેરાઈને અને કાયદાના ડરથી બચવા માટે આખરે આરોપીઓએ આયોજનબદ્ધ રીતે તેની જ હત્યા કરી નાખી હતી.પોલીસ તપાસમાં વધુ એક કડી મળી છે કે આરોપીઓએ આ ગુનાને અંજામ આપવા અને ફરાર રહેવા માટે ગાંધીધામના કાના આહિરની માલિકીની ’બ્રેઝા’ કારનો ઉપયોગ કર્યો હતો. આ કાર અન્ય એક મધ્યસ્થી શખ્સ મારફતે મેળવવામાં આવી હતી. આથી પોલીસે હવે કાર આપનાર વચેટિયા અને મૂળ માલિક કાના આહિરની પણ સઘન શોધખોળ શરૂૂ કરી છે. આ ઉપરાંત, મુખ્ય આરોપીઓ જ્યારે ગુનો કરીને ફરાર હતા, તે સમય દરમિયાન તેઓને આર્થિક મદદ કરનાર અને આશરો આપનાર શખ્સો અંગે પણ પોલીસે તપાસ તેજ કરી છે. ફરાર રહેવા દરમિયાન આરોપીઓએ કોની કોની પાસેથી પૈસા મંગાવ્યા હતા તે દિશામાં પણ કડીઓ મેળવવામાં આવી રહી છે.
