રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકને પોતાની ફરજ દરમિયાન હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કનૈયા ચોક પાસે આવેલી જ્ઞાનજીવન સોસાયટીમાંથી સ્કૂલવાન પસાર કરવા બાબતે સ્થાનિક પરિવાર દ્વારા ડ્રાઈવર સાથે અગાઉ બોલાચાલી અને ત્યારબાદ મારમારીની ઘટના સામે આવી છે. આ મામલે ડ્રાઈવરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,રામાપીર ચોક પાસે રાજશક્તિ સોસાયટીમાં રહેતા ફરિયાદી ધવલભા હરસુરભા ગઢવી, જેઓ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓ તારીખ 8 જુલાઈના રોજ બપોરના સમયે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે મૂકીને પરત ફરી રહ્યા હતા. જ્ઞાનજીવન સોસાયટી નજીક એક વિદ્યાર્થીની સાયકલ તેમની ગાડી સાથે અથડાતા તેમણે વાહન ઉભું રાખ્યું હતું. આ સમયે આરોપી રાજુભાઈ ગોસ્વામી ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાની શેરીમાંથી સ્કૂલવાન પસાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ફરિયાદીએ છેલ્લા ઘણા વર્ષોથી આ જ રસ્તેથી અવર-જવર કરતા હોવાનું જણાવવા છતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
તકરારના થોડા જ સમયમાં મામલો ગરમાયો હતો. આરોપ છે કે, રાજુભાઈ ગોસ્વામીએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂૂ કરી હતી. આ હુમલામાં રાજુભાઈનો પુત્ર પપ્પુ ઉર્ફે વિવેકગીરી અને પુત્રી મેધાબેન પણ જોડાયા હતા. આરોપીઓએ ફરિયાદી અને ત્યાંથી પસાર થતા તેમના ભાઈ ચિરાગભાઈને ઢીક્કા-પાટુનો માર માર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ભવિષ્યમાં આ રસ્તેથી ગાડી ન કાઢવા માટે ગંભીર ધમકીઓ પણ આપી હતી. ગાડીમાં વિદ્યાર્થીઓ હોવાથી અને ધંધાની પ્રતિષ્ઠા જાળવવાના હેતુથી ફરિયાદી ત્યાંથી નીકળી ગયા હતા.
આ સમગ્ર બનાવ બાદ પીડિત ચાલકે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ રાજુભાઈ ગોસ્વામી, પપ્પુ ઉર્ફે વિવેકગીરી ગોસ્વામી અને મેધાબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
