રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડ

ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો…

ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો આક્ષેપ

શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં દારૂનો ધંધો કરતાં બુટલેગરો દ્વારા પાડોશી પરિવાર ઉપર ધોકા, કુહાડી અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી પથ્થરમારો અને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલામાં પતા-પુત્ર, નવ મહિનાની બાળકી સહિત ચાર લોકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પરિવાર દ્વારા તેમના ઘરે સીસીટીવી લગાવ્યા હોય જેથી પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતાં હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. રૂખડીયાપરામાં રહેતાં રમજાન જુમ્માભાઈ નગામડા (ઉ.35) તેમના પિતા જુમ્માભાઈ (ઉ.70), પુત્રી જૈનમ (ઉ.9 માસ) અને બહેન શેરબાનુ હુશેનભાઈ ગાઢ (ઉ.38) આજે બપોરે પોતાના ઘરે હતાં ત્યારે પાડોશમાં રહેતા સુલેમાન, અજય, સાગર, ટાલો સહિત આઠથી દસ શખ્સોએ કુહાડી, ધોકા અને છરી વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી અને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પિતા-પુત્ર સહિત ચારેય લોકોને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, હુમલાખોરો પાડોશમાં જ રહેતાં હોય અને દારૂનો ધંધો કરે છે તાજેતરમાં રમજાનભાઈએ તેમના ઘરે સીસીટીવી ફીટ કરાવ્યા હોય જેથી દારૂના ધંધાર્થીઓને સારું ન લાગતાં તેમણે હુમલો કરી ઘર ઉપર પથ્થરમારો અને રીક્ષા અને ઘરમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત હુમલાખોરો ઘરમાંથી રૂા.એક લાખની રોકડ લુંટી ગયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે પાડોશી દ્વારા હુમલો કરવામાં આવતાં તેમણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જો કે એક કલાકે પણ પોલીસ આવી ન હોવાનો ઈજાગ્રસ્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *