એક શખ્સ વિમલ અને બાગબાન નામની બ્રાન્ડના નામે નકલી માલ બનાવી લોકોને છેતરતો હતો
ધોરાજી સિટી પોલીસે નકલી બ્રાન્ડેડ પાન-મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. લોકપ્રિય બ્રાન્ડ ’વિમલ પાન મસાલા’ અને ’બાગબાન તમાકુ’ના નામે નકલી માલ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સ્થિત ’એમ.ફોર.યુ ઇન્ટલેકચ્યુલ પ્રોપર્ટી રાઇટ સર્વીસીસ’ના પ્રોપરાઈટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલા નેવી ટાવરના એક રહેણાક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અફનભાઈ આરીફભાઈ જાનુહસન (ઉ.વ. 35) કોઈ પણ પ્રકારના પરવાના વગર પોતાના મકાનમાં ડુપ્લીકેટ પેકિંગ મશીનરીનો ઉપયોગ કરીને નામચીન બ્રાન્ડનો નકલી માલ તૈયાર કરી રહ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન કુલ રૂૂપિયા 52,590/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 230 પેકેટ (30 પાઉચ પ્રતિ પેકેટ) કે જેનું પેકિંગ અને પ્રિન્ટિંગ અસલ કરતા અલગ હતું, નકલી પાઉચ બનાવવા માટેના કાગળના રોલ, પ્લાસ્ટિકના ખાલી પાઉચ અને અસલ પાઉચમાંથી તમાકુ કાઢી તેમાં હલકી ગુણવત્તાનું મિશ્રણ કરવાનો સામાન સામેલ છે.
આ ઉપરાંત, આશરે 30 કિલો હલકી ગુણવત્તાની તમાકુ, ગજાનન કંપનીનું ઈલેક્ટ્રીક જીપર પેકિંગ મશીન, સ્ટેન્લી કંપનીની હીટગન, ઈલેક્ટ્રીક વજન કાંટો અને ફ્લેવર માટે વપરાતું મેન્થોલ પણ કબજે કરવામાં આવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર, અસલ પાઉચને હીટગન વડે ખોલી તેમાંથી તમાકુ કાઢી, તેમાં હલકી ગુણવત્તાની છૂટક તમાકુ અને મેન્થોલ ફ્લેવર મિક્સ કરતો હતો. ત્યારબાદ ડુપ્લીકેટ સીરીયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને જીપર મશીનનો ઉપયોગ કરી તેને ફરીથી પેક કરી બજારમાં અસલ તરીકે વેચતો હતો.
ધોરાજી સિટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 318(4) (છેતરપિંડી) અને કોપીરાઈટ એક્ટ 1957 ની કલમ 63 અને 65 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમેશભાઈ ભુપતભાઈ બલદાણીયા ચલાવી રહ્યા છે.
