સુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું

સચીન જીઆઇડીસીમાં ધમધમતી ફેકટરી ઉપરSOGની ટીમનો દરોડો, બે શખ્સોની ધરપકડ સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ…

સચીન જીઆઇડીસીમાં ધમધમતી ફેકટરી ઉપરSOGની ટીમનો દરોડો, બે શખ્સોની ધરપકડ

સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે 2,029 કિલોગ્રામથી વધુનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી ઘી બજારમાં વેચાય તે પહેલા જ પોલીસે તેને પકડી પાડી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવ્યા છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નકલી ખાદ્ય પદાર્થો સામે કડક ઝુંબેશ ચલાવવા મળેલી સૂચના મુજબ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમો કાર્યરત હતી. પી.આઈ. એ.એસ. સોનારાના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો માહિતી એકત્ર કરી રહી હતી. તે દરમિયાન પી.એસ.આઈ. એમ.ડી. હડિયાની ટીમના હેડ કોન્સ્ટેબલ જગશીભાઇ શાતીભાઇ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે સચિન જી.આઇ.ડી.સી. સ્થિત લક્ષ્મીપાર્કની સામે આવેલી ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરોડામાં ભરતભાઇ ગોગનભાઇ પોલરા (ઉ.વ. 48): રહે. પ્લોટ નં. 140, આશોપાલવ સોસાયટી વિભાગ-02, પટેલ પાર્ક પાસે, કેનાલ રોડ, કામરેજ. મૂળ વતન- ચરખા, તા. ધારી, જિ. અમરેલી અને અમીન બાબુભાઇ વાઢવણિયા (ઉ.વ. 45): રહે. ફ્લેટ નં. એફ/09, સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ, સુરતની ધરપકડ કરી હતી.

ફેકટરીમાંથી કુલ 36,36,530/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં 14,19,960/- ની કિંમતનું 2,029 કિલો ભેળસેળયુક્ત ઘી તેમજ નકલી ઘી બનાવવાના મશીનો, રો-મટીરીયલ અને અન્ય સામાન મળી રૂૂ. 21,61,570/- તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ વધુ નફો કમાવવા માટે આ ડુપ્લીકેટ ઘી હાઈવે પર આવેલી હોટલો, ધાબા, સ્લમ વિસ્તારની કિરાણા દુકાનો અને આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે વેચતા હતા. આ મામલે સચિન જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સચિન જી.આઇ.ડી.સી. માં આવેલી ફેક્ટરી અને તલંગપોર, ચોર્યાસી સ્થિત ગીતા નગરના ગોડાઉન પર પણ તપાસ હાથ ધરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *