જામનગરમાંથી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ: 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં મશીનરીથી બનાવટી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં અંદાજે…

જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં મશીનરીથી બનાવટી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં અંદાજે 932 લીટર બનાવટી ઘી સહિત કુલ રૂૂ. 5,77,840ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને 200 મિલીના 2,160 ડબ્બામાં ભરેલા ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્થળ પર રહેલા આશરે 500 લીટર ઘીનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચના અને જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આઇ.એ. ઘાસુરા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ એસ. જાડેજા, હરદેવસિંહ એમ. ઝાલા, ચેતનભાઇ આર. ઘાઘરેટીયા તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા અને કોન્સ્ટેબલ કમલેશભાઇ ખીમાણીયાને બાતમી મળી હતી કે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ભરતભાઇ દેશાભાઇ ખીમસુરીયા અને મનસુખભાઇ દેશાભાઇ ખીમસુરીયા, બંને જામનગરના રહેવાસી, બનાવટી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસ ટીમે વાડીમાં દરોડો પાડતાં મનસુખભાઇ દેશાભાઇ ખીમસુરીયા સ્થળ પર હાજર મળી આવ્યા હતા અને ત્યાં મશીનરી દ્વારા બનાવટી ઘી બનાવવાની કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી ડો. આર.જે. કોટડીયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના જથ્થાનું પરીક્ષણ કરતાં તે બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું અને ઘીના નમૂના લઈ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

વાડીમાંથી 200 મિલીના 2,160 ડબ્બા ભરેલા મળી આવ્યા હતા, જેના પર ’કે.ટી. બંધન કાઉસ પ્યોર ઘી’ના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ જથ્થાને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાકીનો આશરે 500 લીટર બનાવટી ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *