કંપનીના ઓફિસરે પોલીસને સાથે રાખી કોઠારિયા સોલવન્ટમાં દરોડો પાડ્યો, પોલીસે બે શખ્સોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ‘શ્રી ડેંગ્યુ કિલર હર્બલ’ નામની પ્રતિષ્ઠિત અગરબત્તીની ડુપ્લીકેટ બનાવટનું કારખાનું ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કંપનીના અધિકારીઓ અને આજીડેમ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, પડધરીના ડુંગરકા ગામ ખાતે આવેલ ‘શ્રી ઇસેન્સ સ્ટીક’ નામની કંપની દ્વારા ‘શ્રી ડેંગ્યુ કિલર હર્બલ’ નામની અગરબત્તીનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીના માલિક સંકેતભાઈ દેત્રોજાએ મહારાષ્ટ્રના થાણેમાં રહેતા અને કંપનીમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રમોદભાઈ રવીભાઈ સોનારને પાવર ઓફ એટર્ની દ્વારા તપાસની સત્તા સોંપી હતી.
તપાસ દરમિયાન કંપનીના જયદીપભાઈ ભટ્ટીને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં આર.કે. પ્લાસ્ટિકની સામે ‘ભગવતી એન્ટરપ્રાઇઝ’ નામના કારખાનામાં તેમની પ્રોડક્ટ જેવી જ દેખાતી નકલી ‘સુપર ડેંગ્યુ કિલર હર્બલ’ અગરબત્તીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ.નો સંપર્ક કરી દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસની ટીમ ‘ભગવતી એન્ટરપ્રાઇઝ’ના શેડમાં પહોંચી ત્યારે ત્યાં અનેક કારીગરો નકલી અગરબત્તીનું પેકિંગ કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અસલી બ્રાન્ડના બોક્સ જેવી જ આબેહૂબ ડિઝાઇન ધરાવતા ‘સુપર ડેંગ્યુ કિલર’ નામના બોક્સમાં માલ ભરવામાં આવતો હતો.પોલીસે સ્થળ પરથી નકલી ખાલી બોક્સ: 1400 નંગ (કિંમત રૂૂ. 5600),પેકિંગ સીલિંગ મશીન: 1 નંગ (કિંમત રૂૂ. 8000) અને તૈયાર અગરબત્તીના પેકેટ 480 નંગ (કિંમત રૂૂ. 12,000) એમ કુલ જપ્ત મુદ્દામાલ અંદાજે રૂૂ. 25,600નો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે કારખાનાના બે ભાગીદારો રસિક સવજી સરધારા અને નારણ જસમત મારકણા (રહે. બંને સાઈબાબા સર્કલ પાસે, કોઠારીયા રોડ) સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
