જામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન…

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી અધિકારી એન. પી. જાસોલિયાના માર્ગદર્શન હેઠળ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર, ચીઝ, બટર સહિતના દુગ્ધજન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.

ચકાસણી દરમિયાન શહેરના કુલ 16 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી બે પેઢીમાંથી આશરે સાડા બાર કિલો પનીર માનવ વપરાશ માટે યોગ્ય ન હોવાનું અથવા એનલોગ હોવાનું જણાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તમામ વેપારીઓને સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત એનાલોગ પનીર સહિતના બિનગુણવત્તાયુક્ત અથવા નિયમો વિરુદ્ધના ખાદ્ય પદાર્થોનું વેચાણ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી.

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારનું સઘન ચેકિંગ અભિયાન યથાવત રહેશે. જો ભવિષ્યમાં કોઈપણ વેપારી પાસે નિયમોનો ભંગ કરતું અથવા માનવ વપરાશ માટે અયોગ્ય ખાદ્ય પદાર્થ મળી આવશે તો તેનો સ્થળ પર જ નાશ કરવા ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *