જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ આવતી બલેનો કારે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષા અને બાઇક પર સવાર કુલ 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વેરાવળ તરફથી પૂરઝડપે અને બેફામ દોડી આવતી એક કારના ચાલકે અચાનક સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારે સામેથી આવતી રિક્ષા અને બાઇક એમ બંને વાહનોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને અંધારા કે ભીડનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ગોઝારા અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટના અંગેની જાણ થતાં જ સ્થાપનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા અકસ્માત સર્જનાર કારમાંથી દારૂૂની ખાલી બોટલ, કારચાલકનો મોબાઈલ ફોન તથા અન્ય વ્યક્તિગત ચીજવસ્તુઓ મળી આવી હતી. કારમાંથી દારૂૂની બોટલ મળી આવતા કારચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
