વારંવાર ગેરકાયદેસર રીતે દવાઓનો નિકાલ થતો હોવા છતાં આરોગ્ય વિભાગ કેમ મૌન ?
શહેરમાં નિયમોને નેવે મૂકીને મેડિકલ વેસ્ટ અને એક્સપાયર થયેલી દવાઓનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટની જીવાદોરી સમાન લાલપરી નદીના પટમાં આજે મોટી માત્રામાં એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકાયેલો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપરી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે 3 જેટલા મોટા થેલાઓમાં ભરીને અનેક અલગ અલગ પ્રકારની દવાઓ ફેંકવામાં આવી છે. આ તમામ દવાઓ એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી છે. નિયમો મુજબ જ્યારે દવાઓ એક્સપાયર થઈ જાય ત્યારે તેનો બાયોમેડિકલ વેસ્ટના નિયમો અંતર્ગત યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, જેથી પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન પહોંચે. પરંતુ, અહીં નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.
આટલી મોટી માત્રામાં દવાઓનો જથ્થો કોણે ફેંક્યો તે અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પરંતુ, પ્રાથમિક અનુમાન મુજબ શહેરના કોઈ મોટા મેડિકલ હોલસેલર અથવા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો દ્વારા જ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. અગાઉ પણ સરકારી દવાઓ મળી આવી હતી રાજકોટમાં આ પ્રકારે દવાઓ ફેંકવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. નોંધનીય છે કે, અગાઉ પણ બરાબર આ જ સ્થળે એટલે કે લાલપરી નદીના પટમાં જ સરકારી દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવેલો મળી આવ્યો હતો. વારંવાર એક જ સ્થળે આ પ્રકારના બનાવો બની રહ્યા છે.
