Connect with us

ગુજરાત

પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુ

Published

on

ભજન, ભોજનના અનોખા સંગમમાં 50 હજારથી વધુ શ્રાવકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો

દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી: સંતો-મહંતો વિશેષ ઉપસ્થિતિ

માનસ સદ્ભાવના રામકથાના છઠ્ઠા દિવસે શ્રોતાઓની જામી ભીડ; સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વૃક્ષોનું મહત્વ સમજાવતા મોરારિબાપુ


માનસ સદભાવના રામકથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુએ વૃક્ષોનું મહિમા ગાન કરતાં જણાવ્યું કે બુદ્ધત્વ હંમેશા વૃક્ષ નીચે પ્રગટે છે. તેમણે ઉમેર્યું કે પાંડુરંગ શાસ્ત્રીજીએ ગામડે ગામડે અલગ અલગ વન તૈયાર કરાવ્યા અને પહેલી વખત વૃક્ષ મંદિર જેવો શબ્દ આપણને આપ્યો. મોરારિબાપુએ કહ્યું કે પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો અને તેને ક્યારેય કાપો નહીં.


મોરારિબાપુએ જણાવ્યું કે શંકરાચાર્યની પરંપરામાં પણ વટ વૃક્ષનો મહિમા છે ત્યાં વટ વૃક્ષ નીચે વૃદ્ધો ગુરુજીના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વન અને જંગલમાં ફેર છે. વનમાં શરણાગતિ અને સાધના થાય કે જ્યારે જંગલમાં શિકાર થાય છે. સીતાજીએ ભગવાન રામ સાથે વનમાં જવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે વનના દેવી અને દેવતાઓ પોતાનું સાસુ અને સસરાની જેમ ધ્યાન રાખશે માટે જ્યારે વૃક્ષ વાવો ત્યારે તેને નાડાછડી બાંધીને સીતા રક્ષાબંધન કરી રહ્યા હોય તેવો ભાવ રાખજો.


મોરારિબાપુએ ગઈ કાલે જે પાંચ પ્રકારના વૃક્ષોની વાત કરી હતી તેમાં ચંદનનું વૃક્ષ ચોરીના હેતુથી કપાઈ જવાની શક્યતા હોવાનું ધ્યાન દોરવામાં આવતા મોરારિબાપુએ કહ્યું કે આપણે પ્રેક્ટિકલ થઈએ અને ચંદનને બદલે કોઈ પણ વૃક્ષ પહેલા વાવો તેને ગણેશનું વૃક્ષ ગણજો.


મોરારિબાપુએ કહ્યું કે 29 નવેમ્બર, શુક્રવારે (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીનો જન્મ દિવસ હોય સાધુ સંતોનો મિનિ કુંભ થવાનો છે ત્યારે કથા સમય સવારે 9:30 નો રહેશે. આજની કથામાં ભાઈ રમેશભાઈ ઓઝા, (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી સહિતના સંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આજે મોરારિબાપુની રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મોરારિબાપુએ રામાયણની ચોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વૃદ્ધ અને વૃક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વૃક્ષોની કેવી જરૂૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી. દાતાઓએ આજે પણ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી.


માનસ સદભાવના રામકથાના છઠા દિવસે સાંદીપની વિધ્યાપીઠના પ્રખર ભાગવત આચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા એવું જણાવ્યું હતું કે સદભાવના એ વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ જેવા યજ્ઞનો આરંભ કરી ધરતીમાતાનો ચૂંદડી ઓઢાડવાનો મનોરથ કર્યો છે. વૃક્ષો કાપવા એ પાપ છે અને વૃક્ષો કાપવા એટલે પૃથ્વીના ફેફસાં કાપવા બરાબરનું કૃત્ય છે. આપણાં વૈદ્યો પણ જડીબુટી લેવી હોય ત્યારે તેને નોતરે છે, અગાઉથી જાણ કરે છે. ઔષધિઓના સ્વામી ચંદ્રમાંને પણ પ્રાર્થના કરે છે. તેમજ જડીબુટી કાપતા પહેલા તેનું પૂજન કરી પગે લાગી પછી જ જડીબુટી મેળવે છે. આપણી સનાતન ધર્મની આ સંવેદનશીલ પરાકાષ્ઠા છે.


ભાઈએ ચાર આશ્રમનું વર્ણન કરતાં એવું જણાવ્યું હતું કે બ્રહ્મચર્ય આશ્રમમાં ભિક્ષાટન થઈ શકે છે, સન્યાસ આશ્રમમાં પણ આ પરંપરા છે.ગૃહસ્થ આશ્રમમાં પોતાની આવકના દસ ટકા પરમાર્થ માટે વાપરવામાં આવે છે પરંતુ વાનપ્રસ્થ આશ્રમમાં ભિક્ષાટન કરવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા નથી માટે વૃદ્ધો હાથ લંબાવી શકે નહીં એવા સમયે સદભાવના વૃદ્ધાશ્રમે વૃદ્ધો સન્માનપૂર્વક નિવૃત્તિ ગાળો શાંતિથી પસાર કરી શકે તેવો યજ્ઞ શરૂૂ કર્યો છે.


જેમાં સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ અને મોરારિ બાપુના માર્ગદર્શન સાથે રાજકોટ રામમય બની આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યું છે.
ભાઈએ સનાતની ધર્મ શૈલીનો ઉલ્લેખ કરી સદભાવના વૃદ્ધાશ્રમની આ સેવાને કર્મયજ્ઞ હોવાનું જણાવ્યું હતું.(ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી એ સમગ્ર રાજકોટ વતી ભાઈનો આભાર વ્યક્ત કરતાં એવું જણાવ્યું હતું કે માનસ સદભાવના કથાના આજે છઠ્ઠા દિવસે ભાઈએ પોતાનું મૌન વ્રત હોવા છતાં આશીર્વાદના શબ્દો વ્યક્ત કરી નૈમિતિક ધર્મનું પાલન કર્યું છે.

કાલે રામકથામાં સંતોનો મિનિ મહાકુંભ
માનસ સદભાવના કથામાં આવતી કાલે સંતોનો મિનિ મહાકુંભ યોજાશે. આ અંગે (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીએ એવું જાહેર કર્યું છે કે આવતીકાલે આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ જેમણે ચૌદ લાખ લોકોને દીક્ષા આપી જે જૂના અખાડાના વડા છે તે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કર્ણાટકમાં જે 1.75 લાખ વિધાર્થીઓને ભણાવે છે એવા જગદગુરુ સ્વામી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજ, હરિયાણામાં ખુદ રાજ્ય સરકાર ગીતા જયંતી ઉજવે છે અને મહાભારતને કેન્દ્રમાં રાખી ટુરીઝમ ઊભું કરવામાં આવ્યું છે અને ગીતા જયંતી એક્સપ્રેસ ટ્રેન પણ શરૂૂ કરવામાં આવી છે આ તમામ કાર્ય જેના નેતૃત્વમાં થઈ રહ્યું છે તેવા ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજ, ગોવાથી પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ, વૈષ્ણવોની કુલ આઠ પીઠ પૈકીનાં બીજી પીઠના વૈષણાવાચાર્ય બંને દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી તથા ષષ્ઠ પીઠાધીશ્વર શાસ્તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવા, એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવ પ્રિયદાસજી, કૃષ્ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય કૃષમણીજી મહારાજ ઉપસ્થિત રહેશે.

રામકથા સ્થળે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે મોરારિબાપુની વૈશ્વિક માનસ સદભાવના રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ(વિનય જસાણી)નાં સહયોગથી સમગ્રપણે રાજકોટની સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સિવિલ અને બ્લડ બેંક આમંત્રણ આપી તેમની રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે. રાજકોટની સીવીલ હોસ્પિટલનાં જરૂૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે.

પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો

  • યુવાનની સવારી ધર્મની હોવી જોઈએ, અધર્મની નહિ.
  • જે વૃક્ષ પહેલું વાવો તે શ્રી ગણેશ.
  • બોધ જ્યારે જ્યારે જેને પ્રગટ્યું છે તે વૃક્ષ મંદિરની અંદર જ પ્રગટ્યું છે.
  • જંગલમાં શિકાર થાય , વનમાં શરણાગતિ સ્વીકારાય
  • એકાંતમાં બેસી હરી સ્મરણ કરવું એ પણ તપ છે.
  • વૃક્ષ અને વેદના ઘર બન્યા છે, મંદિર બન્યા છે.
  • આ કથા સંસ્થાના લાભાર્થે નથી, સૌ ના શુભાર્થે છે. સર્વે ભવન્તુ સુખીન:
  • અત્યાર સુધીમાં 50 કરોડના અનુદાનની ઘોષણા થઈ છે, તેમાં 3.60 કરોડ બાપુના ફ્લાવર્સના છે.
  • તપની પહેલી વ્યાખ્યા એ છે કે આપણે સાચા હોઈએ તો પણ હસતા હસતા સહન કરી લેવું.
  • પ્રાયશ્ચિત કરો એ તપ છે.
  • તત્પરતા એ તપ છે.
  • ગ્રંથનું અધ્યયન કરવું એ તપ છે.
  • સત્યનું પાલન કરવું એ તપ છે.
  • નિંદાને હસતા હસતા સહન કરવું એ તપ છે
  • 12 વર્ષનો ગાળો એક તપનો સમયગાળો ગણાય છે, 12 વર્ષના તપ બાદ રાજકોટમાં મોરારીબાપુએ રામથકાનો લાભ આપ્યો છે.
  • મોરારીબાપુની રાજકોટના આંગણે શરૂૂ આ 947મી રામકથા આગામી તમામ રામકથા કરતા અત્યંત વિશિષ્ટ છે.
  • પર્યાવરણ માટે વિશિષ્ટ રૂૂપે આ રામકથા છે.
  • પક્ષી શમીયાણામાં એક પક્ષી આવીને એક સ્પીકરની ઉપર કથા પૂરી થાય ત્યાં સુધી બેસી, શાંતીથી કથા સાંભળીને ઉડી જાય છે.
  • પુર્વ જન્મના પ્રચંડ ભાગ્યોદયે નાનકડા પક્ષીને રામકથાનાં શ્રવણનો લાભ મળી રહયો છે. સૌ ભાવિકો રોજ આ સુયોગ જોઈ શ્રી રામની લીલાને વંદન કરી રહયાં છે.
  • બે દેશો એ યુદ્ધ વિરામ ઘોષિત કર્યો એ મારી દ્રષ્ટિ એ બહુ મોટી ઘટના છે.
  • વૃક્ષને તમે અઠવાડિયા સુધી વ્હાલ કરો અને પછી તમે તેની પાસે ન જાઓ તો તે તમારી રાહ જોતું હોય છે, તેને જ પાંડુરંગ દાદા એ છોડમાં રણછોડ કહ્યું છે.
  • ભગવાન રામ એ વૃક્ષ પાછળ સંતાઈને વાલીનો વધ કર્યો એ વૃક્ષ એ ભગવન નું સ્વરૂૂપ જ છે. ભગવાન પોતે પોતામા સંતાઈને કર્મ કર્યું
  • ભારતીય વૈજ્ઞાનિક ડો. જગદિશચંદ્ર બોસે સિદ્ધ કર્યું છે કે વૃક્ષમાં જીવ છે.
  • વૃક્ષમાં ઓદર્ય, સૌંદર્ય, ગાંભીર્ય, માધુર્ય અને ધૈર્ય હોય છે
  • રામનો સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક અર્થ કથા માં થવો જોઈએ.
  • રામ હતા હતા, છે અને રહેશે, રામ શાશ્વત છે.
  • ભાગવતમાં લખ્યું છે કે આપણા પ્રત્યેક કર્મનાં સુર્ય, ચંદ્ર જેવા સાક્ષીઓ છે.
  • શીવરાત્રીના મેળામાં રાસ મંડળી ચાલતી હોય ત્યારે મને ઉભા રહેવાનું મન થાય એટલે અમે ગાડીમાં બેસી સંતાઈને રાસ મંડળી જોઈ
  • બુધ્ધ ભગવાનને બોધિ વૃક્ષ નીચે બોધ પ્રાપ્ત થયો.
  • બુદ્ધત્વ અને વૃદ્ધત્વ સમાન છે.
  • ભગવાન શિવજીએ શીખ્વયું કે ગળામાં વિષ હોય તો પણ સામેવાળાને કોઈ દિવસ ઝેર નહી આપતા તેને રામકથાનું અમૃત જ આપશો.

ગુજરાત

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

Published

on

By


શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

Published

on

By

સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.


મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.

જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.


ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.


રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.

Continue Reading

ગુજરાત

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

Published

on

By

રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય22 hours ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય22 hours ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય22 hours ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય22 hours ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય22 hours ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ22 hours ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય22 hours ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત22 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત22 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત22 hours ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ધાર્મિક2 days ago

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

આંતરરાષ્ટ્રીય2 days ago

દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું

ગુજરાત23 hours ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત22 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત23 hours ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત22 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત23 hours ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત23 hours ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત22 hours ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત22 hours ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

Trending