સ્કૂલો, કોર્ટો અને સરકારી કચેરીઓને ઉડાવી દેવાની અનેક ધમકીઓ બાદ હવે વિધાનસભાને ધમકીથી સરકારને ખુલ્લો પડકાર
જૂના ડેડ ઈમેલ આઈડી હેક કરી આતંકવાદી સંગઠનોને વેચી વિદેશથી ધમકી અપાતી હોવાનું ખુલાસો
આરોપીઓ પકડાય છે છતાં ઈ-મેઈલ ઉપર ધમકીઓ સતત ચાલુ, લોકોમાં અરાજકતા વચ્ચે સાયબર થ્રેટનું ઝાળુ ભેદવામાં સરકારી નિષ્ણાંતો નિષ્ફળ
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી બોમ્બની ધમકી મળી રહી છે. આજે વિધાનસભા ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક અજ્ઞાત ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી ચાલતી આ ઘટનાને પગલે સાયબર સેલ દ્વારા આઈપી એડ્રેસની તપાસ કરી ઈ મેલ આઈડી પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ મેઈલ કોઈ પબ્લિક વાઈફાઈ અથવા વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) દ્વારા મોકલવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ ખરેખર કોઈ આતંકી ષડયંત્ર છે કે પછી કોઈ માથાભારે તત્ત્વએ પબ્લિસિટી મેળવવા માટે આ કૃત્ય કર્યું છે.આવી ઘટનામાં કોઈની ધરપકડ ન થતા સરકાર અને પોલીસ પણ લાચાર હોવની સ્પષ્ટ થયું છે.
છેલ્લા કેટલાક એક વર્ષથી ગુજરાતના મુખ્ય શહેરોમાં સાર્વજનિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો ગંભીર સિલસિલો શરૂૂ થયો છે. શાળા-કોલેજો, એરપોર્ટ અને મંદિરોને નિશાન બનાવીને મોકલવામાં આવતા આ ધમકીભર્યા ઈમેલ અને ફોન કોલ્સને કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જોકે, આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે આટલા દિવસો વીત્યા હોવા છતાં, આ ઈમેલ પાછળનો મુખ્ય સૂત્રધાર હજુ સુધી પોલીસના સકંજામાં આવ્યો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ધમકીભર્યા ઈમેલ વિદેશી સર્વર અથવા ’ડાર્ક વેબ’નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા છે. આ ટેકનિકલ જટિલતાને કારણે સાયબર ક્રાઈમ ટીમ માટે મૂળ લોકેશન ટ્રેસ કરવું પડકારજનક બન્યું છે.ગુજરાતમાં વારંવાર મળતી આ અનામી ધમકીઓને કારણે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. દર વખતે સર્ચ ઓપરેશનમાં કંઈ જ શંકાસ્પદ મળતું નથી, જેથી આ એક ’હોક્સ’ (અફવા) હોવાનું સાબિત થાય છે, પરંતુ સુરક્ષાના ભાગરૂૂપે તંત્રએ કલાકો સુધી હેરાન થવું પડે છે. ગુજરાત એટીએસ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ સંયુક્ત રીતે આ કેસની તપાસ કરી રહી છે. ઈન્ટરપોલ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારની ધમકીઓ પાછળનો હેતુ માત્ર અરાજકતા ફેલાવવાનો અને સુરક્ષા એજન્સીઓની ક્ષમતા ચકાસવાનો હોઈ શકે છે. રાજકોટ આવેલ ગુજરાત રાજયના પોલીસ વડા ડો.કે.એન.એલ.રાવે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી જશે, પરંતુ પકડાયા વગર ફરતા આ અજાણ્યા તત્વોએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. લોકોએ પણ અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં ધમકી ભરેલા ઈ મેલ મળ્યાની વાત કરી એ તો, ફેબ્રુઆરી2026 માં જ ગુજરાતની 6 જિલ્લા અદાલતો અને તાજેતરમાં ગાંધીનગરના ’કર્મયોગી ભવન’ ને પણ આવી જ રીતે ધમકીભર્યા મેઈલ મળ્યા હતા, જેના કારણે કામગીરી ખોરવાઈ હતી. અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી ને પણ ઉડાવી દેવાની ધમકી માર્ચ 2026ની શરૂૂઆતમાં અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી ને પણ ઉડાવી દેવાની ધમકી મળતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોટાભાગની ઘટનાઓમાં આ ધમકીઓ માત્ર અફવા સાબિત થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મેઈલ મોકલવા માટે વિદેશી સર્વર અને વીપીએન નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મોકલનારની ઓળખ છુપાવી શકાય. આવી ઘટનાઓથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે અને સરકારી તંત્રનો સમય બગડે છે. પોલીસ હવે આવા ’સાયબર ટેરરિઝમ’ ના કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરી રહી છે. તપાસમાં અત્યાર સુધી કોઈ વિસ્ફોટક મળ્યા નથી, પરંતુ આ ઘટનાઓ પાછળ જવાબદાર લોકોની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂૂપ બની રહી છે.
છેલ્લા એક વર્ષથી શાળાઓ, એરપોર્ટ અને કોર્ટ સંકુલમાં બોમ્બની ધમકી આપતા અલગ-અલગ ઈમેઈલ આઈડીથી મેસેજ મળતા હતા. આ તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે અગાઉ બાંગ્લાદેશના ઢાકાના મૂળ વતની માઈકલ વિશ્વાસ.જે ભારતમાં સૌરભ વિશ્વાસ તરીકે રહેતો હતો. તેને પશ્ચિમ બંગાળની સરહદ પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા પાંચ-છ વર્ષથી ભારતમાં રહેતો હતો અને તેની સાથે તેની બહેનની સંડોવણી પણ ખુલી હતી.
પકડાયલ આ શખ્સ સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા સાયબર ક્રાઈમની ટેકનિકો શીખ્યો હતો. તે જૂના અને ડેડ ઈ-મેઈલ આઈડી હેક કરી તેના પાસવર્ડ બદલીને અન્ય દેશોના સંગઠનોને વેચતો હતો. પોલીસ એક્સપર્ટે ગ્રાહક બનીને આરોપીનો સંપર્ક કર્યો અને યુએસડીટીમાં નાણાં ચૂકવીને તેને ટ્રેપમાં ફસાવ્યો હતો. પુછપરછમાં અત્યાર સુધીમાં 250થી વધુ આઈડી વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. જેમાં ખાલિસ્તાની મોડ્યુલ અને ચેન્નાઈ મોડ્યુલના લખાણો પણ સામે આવ્યા હતા. ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ તેણે ધમકીઓ આપી હોવાથી હવે કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજયની પોલીસ પણ તેની પૂછપરછ કરી હતી. આરોપીની ધરપકડ થઇ છતાં પણ તે દિવસે પણ ધમકી ભરેલા ઈમેલ મળ્યા હોવાની વાત પણ સામે આવી હતી. લોકોમાં અરાજકતા વચ્ચે સાયબર થ્રેટનું જાળું ભેદવા સરકારી નિષ્ણાતો પણ નિષ્ફળ ગયા છે.
