જૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા

જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના…

જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા છે તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

જૂનાગઢમાં ABVPના નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી આ રેલીમાં શિસ્તના પાઠ ભણાવતા સંગઠનના કાર્યકર્તાઓ જ શિસ્ત ભૂલ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ચાલુ ગાડીના બોનેટ પર બેસીને જોખમી રીતે સીન સપાટા કરી રહ્યા છે. ડીજેના તાલે ઝૂમતા આ યુવાનોએ પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા.

ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને યોજાયેલી આ રેલીમાં અનેક ગાડીઓ પર કાર્યકર્તાઓ લટકતા અને બોનેટ પર બેઠેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પોલીસ આવા કિસ્સામાં ’સ્ટંટબાજો’ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધીને કડક કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સંગઠનનું રાજકીય પીઠબળ હોવાને કારણે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ જૂનાગઢની જનતામાં ભારે ચર્ચા જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે? જો કોઈ સામાન્ય યુવાન આ રીતે ગાડી પર બેસીને સ્ટંટ કરતો પકડાય તો પોલીસ તેની સાન ઠેકાણે લાવવામાં જરાય વિલંબ કરતી નથી, તો પછી ABVPના આ હોદ્દેદારો સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી?

હવે જોવાનું એ રહે છે કે, જૂનાગઢ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ કે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધી ન્યાયી કાર્યવાહી કરે છે કે, પછી ’રાજકારણનો ફોન’ રણકતાની સાથે જ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવશે. સત્તાના નશામાં ચૂર આ હોદ્દેદારોને કાયદાનું ભાન કરાવવું એ હવે પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *