શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે 2.65 કરોડની છેતરપિંડી થઇ હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ આરોપીઓને પકડતી ન હોવાના આક્ષેપ સાથે એસ્ટેટ બ્રોકર રેસકોર્ષ ગાર્ડનમાં પોતાની કારમા જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે વેચનું કામ કરતા દિનેશભાઇ ઠાકરશીભાઇ કુંજડીયા (ઉ.વ.36)એ આજે બપોરે રેસકોર્ષ ગાર્ડનમાં પોતાની કારમાં જ બેસી ફિનાઇલ પી આપઘાતો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પાોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર દિનેશ કુંજડીયાએ યુનિ. પોલીસમાં એક મહિના પહેલા એડવોકેટ જીજ્ઞેશ બાલકૃષ્ણ શાહ અને અમદાવાદના દેવલ શાહ વિરૂદ્ધ રૂા.2.65 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલુ કે, તેમને વર્ષ 2022માં લાતીપ્લોટમાં આવેલી જમીન ખરીદ કરવા માટે ટાઇમ સ્કવેર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા એડવોકેટ જીજ્ઞેશ શાહને મળતા તેણે આ જમીન અમદાવાદના રાજ રાધે ફાઇનાન્સની હોવાનું જણાવતા તેઓ દેવલ શાહને મળ્યા હતા અને તેના જણાવવાથી તેમણે એડવોકેટ જીજ્ઞેશ શાહને પેમેન્ટ ચૂકવી આપ્યુ હતુ બાદમાં જમીનનો દરસ્તાવેજ કરી ન આપી ગલ્લા તલ્લા કરવા લાગતા બંન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ એક મહિનો થવા છતા પોલીસ આરોપીને પકડતી ન હોવાના આક્ષેપ સાથે એસ્ટેટ બ્રોકર આપઘાતનો પ્રયાસ કરી લીધો હવાનુ જણાવા મળ્યુ છે.
