ચાંદીના ભાવોમાં અસાધારણ વધારાના કારણે રોજગારીનું નવું સંકટ, વ્યાપાર-ધંધાની કમર તૂટી ગઇ
વર્ષોથી ચાંદીકામ ઉપર નભતા અનેક પરિવારોને નવા ધંધા શરૂ કરવાની નોબત, ભવિષ્યની પણ ચિંતા
ઘરમાં બેસીને કામ કરતી મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી, પુરુષો રિક્ષા ચલાવવા સહિતના નવા કામ-ધંધા શોધવા લાગ્યા
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર રાજકોટમાં બનતા જેના સોના-ચાંદીના આભૂષણોની વિશ્ર્વભરમાં બોલબાલા છે, પરંતુ અત્યારે જવેલરી ઉદ્યોગ અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધની સ્થિતિ અને સોના-ચાંદીના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ રાજકોટના પરંપરાગત જ્વેલરી ઉદ્યોગની કમર તોડી નાખી છે. જે બજાર દિવાળી પહેલા ધમધમતું હતું, તે અત્યારે મંદીના મોટા મોજામાં સપડાઇ ગયું છે, જેના પરિણામે લાખો કારીગરો બેરોજગાર બન્યા છે.
રાજકોટનો ચાંદી અને સોનાની બજાર વિશ્વભરમાં વિખ્યાત છે અને દેશભરમાં તેમજ અન્ય દેશમાં પણ ચાંદીના વેપારીઓ અન્ય દેશમાં નિકાસ કરી રહ્યા છે. અને રાજકોટ ખાતેથી અલગ અલગ રાજ્ય તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી રાજકોટ ખાતે આવેલી મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં ચાંદી કામ કરી રહ્યા છે સોના-ચાંદીના ઘરેણાંના ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, તે અત્યારે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે રાજકોટના પરંપરાગત જ્વેલરી ઉદ્યોગની કમર તૂટી ગઈ છે.
રાજકોટમાં ચાંદીકામ એ માત્ર પુરુષો પૂરતું સીમિત નથી, પરંતુ તે એક મોટો ગૃહ ઉદ્યોગ છે. હજારો મહિલાઓ ઘરે બેઠા ચાંદીની ચેઈન, પાયલ અને અન્ય ઘરેણાં બનાવવાનું કામ કરતી હતી. આ કામમાં ઢાળ કામ, મીનાકારી, ફાયલિંગ અને પ્રેસિંગ જેવા વિવિધ તબક્કાઓ સામેલ હોય છે. પરંતુ ભાવ વધારાને કારણે આખી ચેનલ તૂટી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આ સંજોગોમાં રાજકોટના નાના વેપારીઓ અને કારીગરો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કારીગરોનું કહેવું છે કે કામ સાવ બંધ છે અને ભાવ વધારાને કારણે નાના વેપારીઓ ઉઠી ગયા છે. જો સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ રાહત કે પ્રોત્સાહન આપવામાં ન આવે, તો રાજકોટની આ વર્ષો જૂની કળા અને તેને જીવંત રાખતા લાખો હાથો કાયમ માટે આ વ્યવસાયથી વિમુખ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાવલિયાના મતે, આ ઉદ્યોગ એક સાંકળ જેવો છે. જેમાં કાસ્ટિંગ, ઘાટકામ, મીનાકારી અને પ્રેસિંગ એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ મંદીને કારણે આ આખી “ચેનલ” તૂટી ગઈ છે, જેના કારણે આ ક્ષેત્ર હવે ગૃહ ઉદ્યોગ મટીને બેરોજગારીનું કેન્દ્ર બની રહ્યું છે.
ચાંદીનું કામ બંધ થઇ જતા હવે પતિને રિક્ષા ચલાવવી પડી રહી છે: લીલાબેન દુમદિયા
લીલાબેન વિપુલભાઈ દુમદિયાની વ્યથા પણ સમાન છે. તેમણે કહ્યું કે, “ભાવ વધારાને લીધે અમારું કામ સાવ બંધ થઈ ગયું છે. પહેલા અમે મહિને 15-20 હજાર કમાતા હતા, પણ હવે આવક શૂન્ય છે.” પરિસ્થિતિ એટલી વિકટ છે કે લીલાબેનના પતિને હવે રિક્ષા ચલાવવી પડી રહી છે, છતાં ઘરખર્ચ અને હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે. લીલાબેને ઉમેર્યું કે નાનું બાળક હોવાથી તેઓ બહાર કામ કરવા જઈ શકતા નથી અને ઘરે કામ મળતું બંધ થતા મુશ્કેલી વધી છે.
ચાંદીના ભાવમાં સતત વધારો થવાને કારણે અમને કામ મળતું બંધ: આરતીબેન
ચાંદીકામ કરતા કારીગર આરતીબેને જણાવ્યું હતું કે, “દિવાળી પછી ચાંદીના ભાવમાં સતત વધારો થવાને કારણે અમને ઉપરથી કામ મળતું નથી. પહેલા કામ સતત ચાલુ રહેતું હતું અને મહિનાના 25,000 રૂૂપિયાનું કામ થઈ જતું હતું, પરંતુ હવે કામ અનિયમિત થઈ ગયું છે જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.”. વેપારીઓ કામ આપે તો તેઓ કરી શકે, પણ કામ જ નથી. મકાનના હપ્તા ભરવા પણ મુશ્કેલ છે, તેથી તેમના પતિએ હવે વેક્સ (મીણ)ના કામમાં જવું પડ્યું છે જેથી ઘરનું ગુજરાન ચાલી શકે.
15 વર્ષથી ચાંદીનું કામ કરતા હતા, હવે નવું કામ શરૂ કરીશું: છગનભાઈ માયાણી
છગનભાઈ માયાણીએ જણવ્યું હતું કે 15 વર્ષથી ચાંદીના પાયલ અને રેણનું કામ કરતા હતા. પરંતુ મંદીના કારણે છેલ્લા એક વર્ષથી તેમણે ઈમિટેશન જ્વેલરી માટેના મશીનો વસાવીને પાયલ અને વીંટી કાઢવાનું નવું કામ શરૂૂ કરવું પડ્યું છે. પરંપરાગત ચાંદી કામ હવે ઇતિહાસ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારીગરોની સ્થિતિ ખૂબ ખરાબ છે તેમણે તાત્કાલિક ધોરણે રિક્ષા ચલાવવાનું, વેક્સનું કામ કરવું પડી રહ્યું છે.
53 વર્ષમાં ક્યારેય નથી જોઈ તેવી મંદી: ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ
ઐતિહાસિક મંદી અને અસ્થિરતા રાજકોટના ચાંદી બજારમાં અત્યારે જે પરિસ્થિતિ છે તે છેલ્લા પાંચ દાયકામાં જોવા મળી નથી. ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાના જણાવ્યા અનુસાર, અત્યારે સોના-ચાંદીનું માર્કેટ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. તેઓ પોતાના 53 વર્ષના અનુભવમાં “આટલી મંદી અને બજારની આવી અસ્થિરતા મેં મારી જિંદગીમાં પહેલીવાર જોઈ છે.”. ભાવ વધારાને કારણે બજાર સ્થિર નથી, જેના કારણે વેપારીઓ નવા ઓર્ડર આપતા ડરી રહ્યા છે.
પરંપરાગત વ્યવસાય છોડવા મજબૂર કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળ્યા: મિતુલભાઈ
મિતુલભાઈએ જણાવ્યું હતું કે દસ વર્ષથી પણ વધુ સમયથી ચાંદી કામ કરી રહ્યો છું. પરંતુ દિવાળી બાદ ચાંદીના ભાવમાં આવેલો ઉછાળો નાના કારીગરો માટે મુસીબત બનીને આવ્યો છે.અન્ય ધંધા કરવા મજબૂર બન્યા છે અને બંગડીનો અને અને લેમીનેસન નો ધંધો શરૂૂ કર્યો છે.પરિવારના ચાર જેટલા સભ્યો ચાંદી ગામમાં જોડાયેલા હતા અને ચારેય સભ્ય 20 હજાર મહિને કમાતા હતા પરંતુ હાલ ચાંદી કામમાં મંદી કારણે ઘરે બેસીને મહિલાઓ કામ કરતી હતી પરંતુ હવે તે પણ થઈ શકતું નથી અને પુરુષોને પણ બહાર કામ કરવા જવું પડી રહ્યું છે તેમજ ચાંદી કામ બંધ થવાના કારણે બાળકોની ફી ભરવાની તેમજ મકાન આપતા પણ ચડી ગયા છે.
