ઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કાર

વોર્ડ નં.1માં બુટલેગરો અને દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ, દારૂ ઢીંચી ડિંગલ કરતા તત્વો રોડ ઉપર ‘ઢીંગલા’ થઇ જાય છે અવાર-નવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા રાજકીય…

વોર્ડ નં.1માં બુટલેગરો અને દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ, દારૂ ઢીંચી ડિંગલ કરતા તત્વો રોડ ઉપર ‘ઢીંગલા’ થઇ જાય છે

અવાર-નવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બેનર્સ લાગ્યા, ભારે દેકારો થતા પોલીસ દોડી

રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા રૈયા ધાર વિસ્તારની ઋષિ વાટિકા સોસાયટીમાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં વર્ષો જૂની દેશી દારૂૂના વેચાણની સમસ્યા હલ ન થતા સ્થાનિક રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના પ્રવેશદ્વાર પર ‘દેશી દારૂૂની પોટલી આ તરફ મળે છે’ અને ‘રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં પ્રવેશ ન કરવો’ તેવા લખાણ સાથેના બેનરો લગાવીને તંત્ર અને રાજનેતાઓ સામે બાયો ચડાવી છે. રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં પોલીસ કે નેતાઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે હવે તેઓએ એકસૂરે ચૂંટણી બહિષ્કારનો મક્કમ નિર્ધાર કર્યો છે.

બનાવની વધુ વિગતો જોઈએ તો,ઋષિ વાટિકા સોસાયટીની આસપાસ આવેલા ખુલ્લા પટ્ટ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, રાત્રિના 8 વાગ્યા પછી સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે દારૂૂડિયાઓ રસ્તા પર આડા પડ્યા હોય છે અને બિભત્સ ગાળાગાળી કરતા હોય છે. સોસાયટીમાં રહેતા નયનાબેન ત્રિવેદીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ 22 વર્ષથી અહીં રહે છે પરંતુ ગંદકી અને દારૂૂના અડ્ડાની સમસ્યા કાયમી બની ગઈ છે. પોલીસમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, પરિણામે રાત્રિના સમયે બહેન-દીકરીઓ કે વહુઓનું ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. લોકો કંટાળીને હવે પૂછી રહ્યા છે કે જો સુરક્ષા જ ન હોય તો મત કોને અને શા માટે આપવો?

સોસાયટીના વૃદ્ધ રહીશ લાભુબેન ગોંડલીયા અને અન્ય મહિલા પુષ્પાબેન રાઠોડના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. આટલા વર્ષોમાં માત્ર દારૂૂનો ત્રાસ જ વધ્યો છે એવું નથી, પરંતુ રોડ-રસ્તા અને પાયાની સુવિધાઓના પ્રશ્નો પણ જેમની તેમ સ્થિતિમાં છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ વોટ માંગવા આવે છે પણ પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ ફરકતું નથી. બાળકો મોટા થઈ ગયા હોવા છતાં સામાજિક ગંદકીને કારણે પરિવારના સભ્યો ઘરની બહાર નીકળતા પણ ખચકાય છે. આથી, જ્યાં સુધી દારૂૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ નહીં થાય ત્યાં સુધી આ વખતે મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય રહીશો દ્વારા લેવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસ અને એલસીબી ઝોન-2ના પીએસઆઈ ઝાલા ઘટના સ્થળે પહોચીગયા હતાં અને દારુ વેંચતા તત્વો વિરૂધ્ધ કરવાની ખાતરી આપી હતી.

લતાવાસીઓનો આક્રોશ:ચૂંટણી બહિષ્કારનો મક્કમ નિર્ધાર
ઋષિ વાટિકાના રહીશોએ જણાવ્યું છે કે તેઓએ અગાઉ અનેકવાર પોલીસ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ દારૂૂ વેચનારાઓ અને પીનારાઓ પર કોઈ લગામ લગાવી શકાય નથી.રહીશોના મતે, નેતાઓ માત્ર મતની રાજનીતિમાં વ્યસ્ત છે અને જનતાની મૂળભૂત શાંતિ છીનવાઈ રહી છે. જો આગામી દિવસોમાં આ અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો મતદાન મથક સુધી નહીં જઈને લોકશાહી ઢબે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. આ બનાવમાં લાતાવાસીઓએ ચુંટણીનો બહીષ્કાર કરતા બેનરો માર્યા હતાં અને કોઈપણ રાજકીય પાર્ટીએ મત માંગવા આવવું નહીં તેવું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.

કોઈ પણ પક્ષના નેતાએ પ્રચાર માટે સોસાયટીમાં આવવું નહીં:બેનરો લાગ્યા
વિસ્તારમાં લાગેલા બેનરો અત્યારે સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યા છે. ’દેશી દારૂૂની પોટલી આ તરફ મળે છે’ તેવું સૂચક બોર્ડ લગાવીને રહીશોએ પોલીસ તંત્રની નિષ્ફળતા અને તંત્રની મિલીભગત તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ પક્ષના નેતાએ પ્રચાર માટે સોસાયટીમાં આવવું નહીં. સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નેતાઓ માટે સોસાયટીના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે જનતા હવે ખોટા આશ્વાસનોથી છેતરાવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *