મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જામ પરિવારમાં અત્યારે લગ્નની શરણાઈઓ ગુંજવાની તૈયારી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આગામી 22મી એપ્રિલના રોજ જેના લગ્ન લેવાયા હતા તેવી 18 વર્ષીય રેસમાબેન ગફુરભાઈ જામનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગત 8મી એપ્રિલના રોજ રાત્રીના આશરે 10:00 વાગ્યાની આસપાસ આ દુખદ ઘટના ત્યારે બની જ્યારે રેસમાબેન તેમના પિતા ગફુરભાઈની રિક્ષામાં બેસીને પરિવાર સાથે જામનગરથી લગ્નની ખરીદી પતાવી મોરબી પરત ફરી રહ્યા હતા. હીરાપર ગામ પાસે એક અજાણ્યા ટ્રેક્ટરે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર તમામ લોકો ફંગોળાયા હતા. આ અકસ્માતમાં રેસમાબેનને પેટના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ તરત જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. જોકે, રેસમાની હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. કમનસીબે, રાજકોટમાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. રેસમા ત્રણ ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાની હતી અને તેના લગ્ન મોરબીમાં જ નક્કી થયા હતા. જે દીકરીના હાથે મહેંદી મુકવાની તૈયારીઓ ચાલતી હતી, તે દીકરીની અણધારી વિદાયથી પરિવારજનોના આક્રંદે હોસ્પિટલના વાતાવરણને પણ ગમગીન બનાવી દીધું હતું.
આ ભયાનક અકસ્માતમાં માત્ર રેસમાએ જીવ ગુમાવ્યો એટલું જ નહીં, પરંતુ રિક્ષામાં સવાર પરિવારના અન્ય 6 સભ્યો પણ લોહીલુહાણ થયા હતા. જેમાં રેસમાના પિતા ગફુરભાઈને ગંભીર ઈજા થતા તેમના પગ ભાંગી ગયા છે. આ ઉપરાંત માતા હસીનાબેન, ભાભી સલમાબેન, ભત્રીજી નઝમાબેન તેમજ ફઈ ગુલસનબેન અને જનતબેન પણ ઈજાગ્રસ્ત થયા છે.લગ્નના કપડાં અને ઘરવખરીની ખરીદી કરી પરત ફરી રહેલો પરિવાર હોસ્પિટલના ખાટલે પહોંચી ગયો હતો.પોલીસે આ મામલે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
