માણાવદરમાં બેફામ ડ્રાઈવિંગને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના સિનેમા ચોક વિસ્તારમાં આજે બપોરે એક સફેદ કલરની ટાટા પંચ કારના ચાલકે પગપાળા જઈ રહેલા એક મહિલાને અડફેટે લેતા તેમનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ બપોરે આશરે 1:00 વાગ્યાના સુમારે માણાવદરના સિનેમા ચોક પાસે યમુના મેડિકલ સામે આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી પ્રકાશભાઈ હીરાભાઈ ડોડિયાના માતા શાંતાબેન રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે, પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ ટાટા પંચ કાર (રજીસ્ટ્રેશન નંબર 7221) ના અજાણ્યા ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે શાંતાબેનને માથાના ભાગે અને શરીરના અન્ય અંગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે તેમનું કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક અટકવાને બદલે પોતાની ગાડી લઈને ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે માનવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281, 105(1) તથા એમ.વી.એ.એસ. ની કલમ 177, 184 અને 134 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આ ફરાર ચાલકની શોધખોળ કરી રહી છે.
