ઉનાના ભીંગરણ ગામે ધોળા દિવસે વૃધ્ધાની હત્યા કરી બુટિયાની લૂંટ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે બપોરે 3:00થી 3:30 વાગ્યાના ગાળામાં ગામમાં આંગણવાડી…

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે બપોરે 3:00થી 3:30 વાગ્યાના ગાળામાં ગામમાં આંગણવાડી નજીક રહેતાં 85 વર્ષીય વૃદ્ધા રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. આ દરમિયાન વૃદ્ધાએ પહેરેલાં ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં હતાં.

પ્રાથમિક વિગતો મુજબ, ભીંગરણ ગામમાં આંગણવાડી નજીક રહેતાં 80 વર્ષીય રખમાંઈબેન ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર વાડીએ રહેતો હતો. વૃદ્ધા એકલાં હોવાનો લાભ લઈ અજાણ્યા શખસોએ લૂંટના ઇરાદે તેમના પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વૃદ્ધાના ઘરે તેમના સબંધી બેસવા ગયા ત્યારે ઘરમાં લોહીથી લથપથ વૃદ્ધાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. આ દૃશ્યો જોઈને સંબંધીઓ ચોંકી ઉઠયા હતા અને પરિવારજનો તથા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા તેમના ઘરે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. હત્યારાએ ધારદાર હથિયારથી વૃદ્ધાનું ગળું કાપી નાખ્યું હતું અને બંને કાન કાપીને સોનાનાં 2 બૂટિયા અને સોનાની 3 કડીની લૂટ કરી છે. ભીંગરણ ગામના સરપંચ જયેશ સોલંકીએ ભાસ્કરને જણાવ્યું કે આ ઘટના અંગે 4:00 વાગ્યે ફોન આવતા તરત જ પોલીસ બોલવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *