મોરબીના જેતપુર રોડ પર આવેલા રંગપર ગામમાંથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રંગપર ગામમાં આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી 20 વર્ષીય પરિણીતા રાધિકા યોગેશભાઈ કારવા પર તેના જ પતિએ ચારિત્ર્યની શંકા રાખીને હુમલો કર્યો હતો. લગ્નના માત્ર પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનામાં પતિ યોગેશે પત્ની રાધિકાને લાકડી કે અન્ય હથિયાર વડે બેફામ માર મારતા તેણીને જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારના કારણે પરિણીતા ઓરડીમાં જ બેભાન થઈ ઢળી પડી હતી. ઘટનાની જાણ થતાં જ લોહીલુહાણ અને બેભાન હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ હિંસક હુમલા પાછળ ચારિત્ર્યની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ રાધિકા ઝારખંડના દાટુ નામના એક અજાણ્યા શખ્સ સાથે કઢંગી હાલતમાં ગામની ઝાડીઓમાંથી પકડાઈ ગઈ હતી. આ બાબતની જાણ પતિ યોગેશને થતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીના આ કૃત્યનો બદલો લેવા માટે તેણે ઓરડીમાં જઈને રાધિકાને ઢોર માર માર્યો હતો.
આ ચકચારી મામલામાં વધુ એક ચોંકાવનારો વળાંક એ પણ સામે આવ્યો છે કે, હુમલો કરનાર યોગેશની પહેલી પત્નીનું નામ સીમાલી હતું અને ભોગ બનનાર રાધિકા તેની જ કૌટુંબિક બહેન થાય છે. યોગેશ પોતાની પહેલી પત્નીની બહેન રાધિકાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લાવ્યો હતો અને મોરબીમાં આવીને તેની સાથે બીજા લગ્ન કરીને રહેવા લાગ્યો હતો. હાલમાં આ પારિવારિક હિંસા અને અનૈતિક સંબંધોના મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
