રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના સરસઈ ગામે રહેતા રમાબેન ભગવાનજીભાઈ પરમાર નામના 53 વર્ષના પ્રોઢાને પીઠના ભાગે દુખાવો થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ જી.ટી. શેઠ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી રમાબેન પરમારનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પ્રોઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. રમાબેન પરમારના પતિ અગાઉ રિક્ષા ચલાવતા હતા અને હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા રમાબેન પરમારને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે અને રમાબેન પરમારનું હદયરોગના હમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
