મુળી તાલુકાના સડલા ગામે રહેતા વૃદ્ધા જસદણના વડાળી ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાંથી રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે કમળાપુર પાસે રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે બેને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળી તાલુકાના સડલા ગામે રહેતા મંગુબેન શંકરભાઈ ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધા 15 દિવસ પૂર્વે બપોરના સીએનજી રીક્ષામાં બેસીને જસદણના વડાલી ગામેથી જઈ રહ્યા હતા ત્યારે કમળાપુર પાસે રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મંગુબેન ચૌહાણને સારવાર માટે ખસેડવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મંગુબેન ચૌહાણનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મંગુબેન ચૌહાણને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. મંગુબેન ચૌહાણ વડાળી ગામે યોજાયેલા સમાજના સમૂહ લગ્નમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
