ચોટીલાના રાજપરા ગામની સીમમાં મધમાખીના હુમલામાં વૃધ્ધાનું મોત

ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃધ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા…

ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃધ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજપરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રાજપરા ગામની સીમમાં આવેલી વાડીમાં ચોથીબેન વીરજીભાઈ રોજાસરા ઉ. વ. 70 કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ઝુંડે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓએ મોટી સંખ્યામાં ડંખ મારતાં તેમની તબિયત લથડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે હજુ પણ મધપૂડો હોવાનું જાણવા મળે છે અને મધમાખીઓનો ત્રાસ યથાવત્ રહેતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તેમજ અવરજવર કરતા લોકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને વાડી અને ખેતરોમાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરો તથા ગ્રામ્ય માર્ગો પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મધમાખીઓના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. મધપૂડાની આસપાસ મધમાખીઓની સતત અવરજવર રહેતી હોય તો નજીકમાં કામ કરતા લોકો પર ફરી હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *