ટૂંકી સારવારમાં વૃધ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડતાં પરિવારમાં શોક
વાંકાનેરના મેસરીયા ગામે રહેતા વૃદ્ધ અકસ્માતે લપસી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા નામના 68 વર્ષના વૃદ્ધ દસ દિવસ પૂર્વે સવારના પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે લપસી પડતા ઇજા પહોંચી હતી. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ અમદાવાદ ખસેડાયા હતા બાદમાં ફરી દુખાવો ઉપડતા રાજકોટ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મામૈયાભાઈ ખાંભલા ત્રણ ભાઈમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
