રતનપર ગામે દારૂની કુટેવ ધરાવતા યુવાનનું બેભાન હાલતમાં મોત
ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનુ સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં જૂના બસ સ્ટેશન પાછળ રહેતા વાલીબેન નથુભાઇ રાઠોડ (ઉ.વ.65)નામના વૃધ્ધાએ ગઇકાલે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે તેમનુ મોત નીપજ્યુ હતું.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને બીમારીથી કંટાળી આપઘાત કરી લીધા હોવાનુ પરિવારજનોએ જણાવ્યુ હતું.
જયારે બીજા બનાવમાં મોરબી રોડ પર રતનપર ગામે રહેતા અને દારૂ પીવાની કુટેવ ધરાવતા ભરત વીનુભાઇ ચૌહાણ (ઉ.વ.46)નામના યુવાનનુ બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
