દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુ

દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા…

દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા શુભમ રવિન્દ્રભાઈ ગોહેલ નામના 20 વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ રવિવાર તારીખ 10 ના રોજ જી.જે. 36 એ.આર. 3696 નંબરની ઈક્કો મોટરકારમાં દ્વારકા દર્શનાર્થે નીકળેલા શુભમભાઈ તથા તેમના પિતા રવિન્દ્રભાઈ, માતા રમાબેન તથા મોટી બહેન માનસી સાથે તેઓ સોમવારે દ્વારકા – પોરબંદર હાઈવે પર કુરંગા ગામના બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા ડી.ડી. 01 કે. 9021 નંબરના એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે તેમની ઈક્કો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકની પાછળની સીટ પર બેઠેલા રવિન્દ્રભાઈના હાથ તથા મોઢાનો ભાગ કચડાઈ ગયો હતો અને તેમને લોહી લોહાણા હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મોટરકારમાં જઈ રહેલા અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

અકસ્માત સર્જીને ટેમ્પો ટ્રાવેલરનો ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ જાહેર થયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે સુભમભાઈ ગોહિલની ફરિયાદ પરથી ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *