સરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલે

મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિ.મી.થી લઈને 1200 કિ.મી. સુધીની 65,000 કિ.મી. રાઈડ કરી છે આરતીબેન ચાપાણીએ ગૃહિણીનું જીવન જીવતા આરતીબેન ચાપાણીના જીવનમાં…

મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિ.મી.થી લઈને 1200 કિ.મી. સુધીની 65,000 કિ.મી. રાઈડ કરી છે આરતીબેન ચાપાણીએ

ગૃહિણીનું જીવન જીવતા આરતીબેન ચાપાણીના જીવનમાં એક ઈવેન્ટના કારણે આવ્યો બદલાવ અને સાઈક્લિગં બન્યું તેમનું પેશન

“સાઈક્લિગં રેસનો પ્રારંભ ફ્રાન્સ પેરિસમાં થયો છે ત્યારબાદ વિશ્વભરમાં આ સાઈક્લિગં રાઈડનો પ્રારંભ થયો. હાલ પણ પેરિસમાં દર ચાર વર્ષે વિશ્વ કક્ષાની ઇવેન્ટ યોજાય છે જેમાં દુનિયાભરમાંથી હજારો લોકો ભાગ લે છે. આ ઇવેન્ટને તેઓ ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરે છે 1200 કિ.મી.ની આ રાઈડના રૂૂટ પર નાના નાના વિલેજમાં રાત્રિ દરમિયાન પણ નાના મોટા સહુ કોફી પેસ્ટ્રી વગેરે જાતે બનાવીને ખૂબ જ પ્રેમપૂર્વક સર્વ કરે. આ રાઈડ કોઈ પણ સાયક્લિસ્ટ માટે જીવનભરનું સંભારણું બની રહે છે.” આ શબ્દો છે રાજકોટના આરતીબેન ચાપાણીના કે જેઓ છેલ્લા એક દાયકાથી સાઈકલ રાઈડ કરી રાજકોટનું નામ રોશન કરે છે.

એક સામાન્ય ગૃહિણીની જિંદગી જીવતા આરતીબેન એક વખત પતિના કહેવાથી તેમની સાથે એક સાઈકલ રાઈડમાં ભાગ લે છે ત્યારે તેમને ખૂબ મજા આવી પણ ત્યારે ખબર નહોતી કે સાઈક્લિગં તેમનું પેશન બની જશે અને તેમની દુનિયા જ બદલાઈ જશે.

આરતીબેનનો જન્મ અને અભ્યાસ રાજકોટમાં થયો.અભ્યાસ બાદ સંયુક્ત કુટુંબમાં લગ્ન થયા એટલે પરિવારની જવાબદારીમાં ખોવાઈ ગયા. લગ્નના પાંચ વર્ષે દીકરીનો જન્મ થયો એટલે દીકરીની આસપાસ જ તેમની દુનિયા ફરતી થઈ. એક વખત પતિ સાથે સાઈક્લિગંની ઇવેન્ટમાં ગયા. ક્યારેય સાઇકલ ચલાવી નહોતી અને પ્રથમ વખત જ 50 કિલોમીટરનું સાઈક્લિગં પૂર્ણ કર્યું.તે સમયે તેમને ખૂબ આનંદ આવ્યો છતાં ત્યારે પણ સાઇકલ રાઇડને પોતાની કેરિયર બનાવશે તેવું વિચાર્યું નહોતું. થોડા સમય પછી એક ફ્રેન્ડના આગ્રહથી 200 કિ.મી.ની રાઇડ પૂર્ણ કરી ત્યારબાદ 400 અને પછી 600 એમ આગળ વધતા ગયા. સાઈક્લિગંમાં બીઆરએમ જેમાં 200, 300, 400 અને 600 કિલોમીટર હોય છે.

એલઆરએમ જે લોંગ ડિસ્ટન્સની હોય છે તેમાં 1000 અને 1200 કિલોમીટર હોય છે. સાઈકલિંગ રાઈડનો આનંદ એક વખત તેઓએ ચાખ્યો પછી પાછું ફરીને જોયું નથી. તેઓ જણાવે છે કે મેં ક્યારેય સાઈકલ ચલાવી નહોતી પણ સાઈક્લિગંમાં જે આનંદ આવતો તે અવર્ણનીય હતો.સાઇકલ ચલાવવી ક્યારેય કઠિન લાગી નથી. જેમ વધુ ચેલેન્જ હોય તેમ વધુ મજા આવતી.ઘર પરિવારની જવાબદારી વચ્ચે ક્યારે સાઇકલ પ્રત્યે સ્નેહ થઈ ગયો તે ખબર જ ન પડી. સાઈકલ રાઈડની શરૂૂઆત કર્યા પછી જાણે તેનો ચસ્કો લાગ્યો અને 1000 કિ.મી. સાઈકલ રાઈડ કરવા મન થનગનતું હતું. 2018 ની સાલમાં 1200 કિલોમીટર પૂર્ણ કરનાર એક માત્ર ગુજરાતની મહિલા સાયક્લિસ્ટ તરીકે નામ આવ્યું.

તેઓ જણાવે છે કે સાઈક્લિગંમાં ફિઝિકલ સ્ટ્રેન્થની સાથે સાથે મેન્ટલ સ્ટ્રેન્થ પણ ખૂબ જરૂૂરી છે લોંગ ડિસ્ટન્સમાં અનેક અણધાર્યા પડકારો આવતા હોય છે આ ઉપરાંત વાતાવરણના ફેરફારનો પણ સામનો કરવો પડે છે. ચંદીગઢથી શિમલા,મનાલી જવાનું હતું અને જ્યાં સમગ્ર રૂૂટ પર અલગ અલગ સમયે વરસાદ,તડકો ઠંડી બધાનો સામનો કરવો પડ્યો હતો તે રાઈડ યાદગાર હતી.તેઓ જણાવે છે કે સાઈક્લિગં માટે અલગ અલગ રૂૂટ નક્કી કર્યા હોય છે જેમાં સીધા રોડ પર જવું સરળ હોય છે જ્યારે ઢાળ, ઊંચા-નીચા રસ્તામાં સમય વધુ જોઈએ છે.રેસિંગમાં હંમેશા શોર્ટ ડિસ્ટન્સ હોય છે પરંતુ મને રેસિંગ કરતા ચેલેન્જિંગ રાઈડ કરવી ખૂબ ગમે છે. સાયકલિંગ માટે ખાસ પ્રકારની પ્રેક્ટિસ અને નિયમિત એક્સસાઇઝ જરૂૂરી છે.

તેઓ ઘર પરિવારની જવાબદારી સાથે સવારે ચાર વાગ્યે ઊઠીને પોતાની પ્રેક્ટિસ એક્સરસાઇઝ વગેરે પૂર્ણ કરી લે છે.ઇવેન્ટમાં દરેક સાથી સાઈક્લિસ્ટ સહયોગ,માર્ગદર્શન આપે છે તે દરેકના આભાર સાથે પોતાની સફળતાનું શ્રેય તેઓ પોતાના પતિ અને સાસુને આપે છે તેઓ જણાવે છે કે પતિએ હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને સાસુ પણ ખૂબ જ કો-ઓપરેટિવ છે તેઓ પણ એક્ટિવ છે અને રોજ યોગ,સૂર્ય નમસ્કાર વગેરે કરે છે. પોતે જ્યારે બહાર હોય ત્યારે ઘરની જવાબદારી તેઓ સાંભળે છે.

સાઈક્લિગંના કારણે સમગ્ર પરિવાર ફિટનેસ માટે જાગૃત થયો છે તેમજ ફૂડ હેબિટ પણ ચેન્જ થઈ છે. તેમની દીકરી છ વર્ષની હતી ત્યારે તેણીએ નાનકડી સાઈકલ લઈને 50 કિલોમીટર પૂર્ણ કર્યા તેમજ આઠ વર્ષની હતી ત્યારે 150 કિલોમીટર પૂર્ણ કર્યા.રાજકોટમાં સાઈક્લિગંના ગુરુ ગણાતા પરેશભાઈ સાથે તેઓ ઇન્ડોર સ્ટેડિયમમાં બુધવાર અને શનિવારે વર્કઆઉટ કરાવે છે. જેમાં 180 જેટલા લોકો ભાગ લે છે. સાઈક્લિગંની મોટાભાગની સ્પર્ધા ઓડેકસ ઇન્ડિયા દ્વારા યોજાતી હોય છે. તેમની સાઈટ પર આરતીબેનનું પણ નામ ગૌરવપૂર્ણ રીતે લખાયેલ છે.તેમનું સ્વપ્ન હજુ વધુ ચેલેન્જિંગ રાઈડ કરવાનું છે.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

સાઈકલના પેડલ મારી મેળવી છે સફળતા
તેઓએ મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિલોમીટર થી લઈને 1200 કિ.મી. સુધીની ટોટલ 65,000 કિ.મી. રાઈડ કરી છે.એક એસ.આર. સીરીઝ એટલે જેમાં 200 કિ.મી,300 કિ.મી, 400 કિ. મી અને 600 કિ.મી.નો સમાવેશ થાય છે એ રીતે દસ વખત એસ.આર. સિરીઝ પૂર્ણ કરી છે. ટોટલ 65 જેટલા બીઆરએમ ઇવેન્ટ કર્યા છે.1200 કિ.મી.ની રાઈડ છ વખત કરી છે. જેમાં રાજકોટ સીરોહી રાજકોટ, રાજકોટ દીવ રાજકોટ,પીબીપી 2023 ફ્રાન્સ, વડોદરા ગોઆ, પૂણેથી પૂણે, તેમજ અમદાવાદ પુષ્કર અમદાવાદ નો સમાવેશ થાય છે. અલગ અલગ સાઇકલ રેસની વાત કરીએ તો ગુરુ શિખર ચેલેન્જ 180 કિ.મી. ત્રણ વખત પૂર્ણ કર્યું છે. ડેકકન કલીફ હેંગર 650 કિ.મી. પૂનાથી ગોવા અને માઉન્ટેન ગોટ 600 કિલોમીટર, ચંદીગઢ, શિમલા અને મનાલી પૂર્ણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *