ગોંડલના વોરા કોટડા ગામે તાપણું કરીને વૃદ્ધા તાપતા હતા ત્યારે અચાનક તાપણામાં રહેલો ફટાકડો ફૂટતા વૃદ્ધા દાજી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા વૃદ્ધાનું મોત નિપજતા પરિવાર શોક ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે રહેતા રામુબેન રામજીભાઈ ભાસા નામના 70 વર્ષના વૃદ્ધા પાંચ દિવસ પૂર્વે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે તાપણું કરીને તાપતા હતા. ત્યારે અચાનક તાપણામાં રહેલો ફટાકડો ફૂટતા રામુબેન ભાસા ગંભીર રીતે દાજી ગયા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રામુબેન ભાસાને સંતાનમાં પાંચ પુત્ર અને બે પુત્રી છે અને રામુબેન ભાસા કચરો સળગાવી તાપતા હતા ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં થાનગઢમાં આવેલા આંબેડકરનગરમાં રહેતી સોનલબેન હરૂૂભાઈ રાઠોડ નામની 36 વર્ષની પરિણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
