લગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલો

શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો યુવાન સોહમનગરમાં હતો ત્યારે લગ્ન પ્રસંગમાં નાના ભાઈની મજાક કરનારને ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ છરી…

શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો યુવાન સોહમનગરમાં હતો ત્યારે લગ્ન પ્રસંગમાં નાના ભાઈની મજાક કરનારને ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ અંગે પોલીસે આરોપીઓ સામે ગુનોનોંધી તેમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.6માં રહેતાં જયસુખભાઈ હરિભાઈ કટારીયા (ઉ.32)એ બી-ડીવીઝન પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુના મોરબી રોડ પર સોહમનગર શેરી નં.1માં રહેતા ભુરો મુછડીયા, સામજીભાઈ મુછડીયા અને આકુલ સામજીભાઈ મુછડીયાના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે તેના કાકાના દીકરા વિપુલભાઈ નારણભાઈ કટારીયાના લગ્ન હોય જેમાં તેના નાનાભાઈ શૈલેન્દ્રની આરોપી ભુરા મુછડીયાએ મજાક કરી હોય દરમિયાન ફરિયાદી ગત રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં તેના મિત્ર રાહુલ કાનજીભાઈ પરમાર સાથે આંટો મારવા નીકળ્યા હતાં.

દરમિયાન સોહમનગરમાં ભુરો ભેગો થઈ જતાં તેને નાના ભાઈની મસ્તી કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે તેને સારું ન લાગતાં ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન અન્ય આરોપીઓ પણ ધસી આવ્યા હતાં અને છરી વડે હુમલો કરતાં જયસુખભાઈને હાથના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન તેનો મિત્ર રાહુલ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા જયસુખભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે બી-ડીવીઝન પોલીસે ઈજાગ્રસ્ત જયસુખભાઈની ફરિયાદ પરથી હુમલો કરનાર પિતા-પુત્ર સહિત ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *