રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે મુસાફરોના સ્વાંગમાં વિદેશી દારૂૂની ગેરકાયદેસર હેરાફેરી કરવાના એક મોટા કારસાનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી. જે. જાડેજા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પરથી દારૂૂના મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક મહિલા અને એક કિશોર સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, જુદા-જુદા શહેરોમાંથી ટ્રેન દ્વારા આવતા મુસાફરોની આડમાં વિદેશી દારૂૂ ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે રેલવે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર શંકાસ્પદ રીતે ફરી રહેલા કેટલાક વ્યક્તિઓની તલાશી લેવામાં આવી હતી.
પોલીસે અલગ-અલગ જૂથમાં દારૂૂનો જથ્થો છુપાવીને લઈ જતા શખ્સોને પકડી પાડ્યા હતા, જેમાં પાલી કરમબેલી ગામ (તા. ઉમરગામ)ના વતની એવા મીત હલપતિ, ઉર્વેશ મીતના, ચેતન મીતના, આર્યન વારલી અને એક કિશોર (સગીર) પાસેથી ટ્રોલી બેગ મળી આવી હતી. પોલીસ દ્વારા ટ્રોલી બેગની તલાશી લેતા તેમાંથી રૂૂ. 26,000 ની કિંમતની 480 બોટલ અંગ્રેજી દારૂૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રામનગર વિસ્તારમાં રહેતા ઈમરાન સૈયદ અને વેલનાથપરા વિસ્તારમાં રહેતા મોહસીન સોલંકી પાસેથી રૂૂ. 40,000 ની કિંમતની 450 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામની વતની હંસાબેન વાળા નામની મહિલા પાસેથી રૂૂ. 31,000 ની કિંમતનો અંગ્રેજી દારૂૂ જપ્ત કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસે તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ રેલ્વે પોલીસ મથકના પી. આઈ એચ.એમ. રાણા, પીએસ આઈ બી.જે.જાડેજા સાથે જયવીરસિંહ જાડેજા, વિપુલભાઈ, સાગરભાઈ, મનસુખભાઈ, દિવ્યરાજસિંહ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.
