રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ લીગલ સેમિનાર યોજાશે. વકીલોને વર્તમાન સમયના વિવિધ મહત્વના કાનૂની વિષયો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તે હેતુથી આયોજિત આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈ સહિત ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સિનિયર કાઉન્સિલ તથા દેશભરના કાનૂનવિદોની ઉપસ્થિતિ રહેશે.
સેમિનારમાં પૂર્વ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈ ‘પ્રોફેશનલ એથિક્સ ઇન લીગલ પ્રેક્ટિસ’ વિષય ઉપર માર્ગદર્શન આપશે. જ્યારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સુથાર દ્વારા જામીન મેળવવાની કાર્યવાહી અને કાનૂની પાસાઓ અંગે વકીલોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આઈ.જે. વોરા તથા જાણીતા સિનિયર કાઉન્સિલ અને જી.એલ.એસ. યુનિવર્સિટીના સુધીરભાઈ નાણાવટી પણ સેમિનારમાં પ્રેરક ઉપસ્થિતિ આપશે.
સેમિનારમાં મિલકતના વ્યવહારોમાં રજિસ્ટ્રેશનનું મહત્વ અને ખરીદદારના હિતોના રક્ષણ માટેની કાનૂની જરૂૂરિયાતો, ક્રિમિનલ ઇન્ક્વાયરી અને એફઆઈઆર નોંધાય તે પૂર્વેની પ્રાથમિક તપાસનો વ્યાપ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, તેમજ ઇગજજ અને ઇજઅ હેઠળ ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા, ટ્રાયલ કોર્ટમાં તેની ઉપયોગિતા અને ડેટા પ્રાઇવસી જેવા વિષયો ઉપર પણ નિષ્ણાતો દ્વારા છણાવટ કરવામાં આવશે. આ ઉપરાંત એઆઈના યુગમાં એડવોકેસીની બદલાતી ભૂમિકા સહિતના વિષયો પણ ચર્ચાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સતીશ દેશમુખ, સુરેશ શ્રીમાળી, ભૂષણ બારીક, ડી.કે. શર્મા અને પ્રશાંતસિંહ તેમજ બાર કાઉન્સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલ સહિતના કાનૂનવિદોની ઉપસ્થિતિ સેમિનારનું વિશેષ આકર્ષણ રહેશે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, એસ.કે. જાડેજા, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતિ માકડીયા અને કેતન મંડના આયોજન હેઠળ સેમિનારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલના સભ્યો દિલીપભાઈ પટેલ તથા પરેશ મારુ માર્ગદર્શન આપી રહ્યા છે. કારોબારી સભ્યો સહિત વિવિધ કમિટીઓના સભ્યો દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી રહી છે. મહિલા બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને ક્લેમ બાર એસોસિએશન સહિત વિવિધ બાર સંગઠનો પણ સેમિનારને સફળ બનાવવા સહભાગી બન્યા છે.
