સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લા બે દિવસથી સતત હળવા ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. આ ગામ સાવરકુંડલાથી આશરે 27 કિલોમીટર દૂર આવેલું છે, જે ડુંગરાળ વિસ્તાર વચ્ચે વસેલું છે. ગઈકાલે ગામમાં ત્રણ નાના અને ત્રણ મોટા એમ કુલ છ ઝટકા અનુભવાયા હતા, જ્યારે આજે બપોરે 1:00 વાગ્યે એક અને ત્યારબાદ 15 મિનિટ પછી બીજો ઝટકો આવ્યો હતો.
ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ગામ વારંવાર ભૂકંપની પીડા સહન કરી રહ્યું છે. ગામના લોકો કહે છે કે ઉનાળાની શરૂૂઆત સાથે જ આ ઝટકાઓ શરૂૂ થયા છે. કેટલાક મકાનોમાં ઝીણી-ઝીણી તિરાડો પડવા લાગી છે, સ્લેપના પોપડા નીકળી રહ્યા છે અને ઝટકા આવતાં જ લોકો ઘરની બહાર દોડી જાય છે. “જાય તો જાય ક્યાં?” એવી સ્થિતિમાં ગામવાસીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
ગત વર્ષે સિસ્મોલોજી વિભાગની ટીમ ગામે આવીને લોકોને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે મોટા ઝટકાની શક્યતા નથી. તેમ છતાં હવે ફરી ડરનો માહોલ શરૂૂ થયો છે. ગામની સ્કૂલમાં પણ અભ્યાસ અસરગ્રસ્ત થયો છે. અમારી ટીમે રિયાલિટી ચેક કરતાં જોયું કે બાળકો ડરના માહોલમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે જ એક ધડાકો સંભળાતાં વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
ગ્રામજનોની મુખ્ય માંગ છે કે હજુ ઉનાળાની શરૂૂઆત છે અને ભૂકંપના ઝટકા પણ શરૂૂ થયા છે, તેથી સિસ્મોલોજી વિભાગની ટીમ તાત્કાલિક ગામે મુલાકાત લે, વાસ્તવિકતાનો અભ્યાસ કરે અને યોગ્ય માર્ગદર્શન આપે. આ સતત ઝટકાઓથી મીતીયાળા ગામ કુદરતી પ્રકોપનો શિકાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્ર અને સિસ્મોલોજી વિભાગને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા ગ્રામજનો અપીલ કરી રહ્યા છે.
