હનુમાન જયંતિના દિવસે દારૂડિયાઓની ધમાલ, માથાકૂટમાં વચ્ચે પડેલા સફાઇ કામદાર પર હુમલો

રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ ભાણજીભાઈ વાઘેલા પર મોડી રાત્રે…

રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ ભાણજીભાઈ વાઘેલા પર મોડી રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે.

ગઈકાલે હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ હતો, ત્યારે ઘર નજીક આવેલા બાલાજી હનુમાનજી મંદિર પાસે કેટલાક શખ્સો દારૂ પીને અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. આ સમયે સુરેશભાઈએ ત્યાં જઈને તેઓને શાંત પાડવાનો અને ઝઘડો ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, સમજાવટ કરવા ગયેલા વૃદ્ધ પર આરોપી રાહુલ અને તેની સાથેના અન્ય માણસો ઉશ્કેરાઈ ગયા હતા અને સુરેશભાઈ પર હુમલો કરી દીધો હતો.રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ સુરેશભાઈને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આ હિંસક હુમલામાં સુરેશભાઈને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સુરેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રો છે અને તેઓ મનપામાં સફાઈ કામદાર તરીકે સેવા આપે છે. સાર્વજનિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરનાર વૃદ્ધ પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી રાહુલ સહિતના શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *