વડોદરામાં અકસ્માતમાં ફંગોળાયેલા યુવકનો ચમત્કારિક રીતે જીવ બચ્યો
રામ રાખે તેને કોણ ચાખે. આ પંક્તિ વડોદરામાં સાચી ઠરી છે. વડોદરાના નંદેસરી બ્રિજ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં 20 વર્ષીય યુવકનો ચમત્કારીક બચાવ થયો છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલા મોપેડસવાર યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા યુવક ઉછળીને બ્રિજની દિવાલ પર પડ્યો હતો. સદનસીબે યુવકનો શર્ટ બ્રિજ પરના વીજપોલમાં ફસાઈ જતા 20 ફૂટ ઊંચા બ્રિજ પર ટીંગાઈ ગયો હતો. આ જ સમયે અન્ય લોકોએ તેનો હાથ પકડીને ઉગારી લીધો હતો. દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા ઘરે કહ્યા વગર શનિવારે મોપેડ લઈ વડોદરા તરફ નીકળ્યો હતો. તે છૂટક કામ કરતો હોવાનું સંબંધી સરોજબેને કહ્યું હતું. નંદેસરી બ્રિજ પર સવારે 10:30 વાગ્યે વાહને પાછળથી ટક્કર મારી હતી. જેથી સિદ્ધરાજ ઉછળી બ્રિજ પરથી નીચે પટકાય તેવી સ્થિતિ થઈ હતી. સદનસીબ તેનો શર્ટ બ્રિજના થાંભલામાં ભરાતાં તે લટકી ગયો હતો. જોકે ઇજા પહોંચતાં તે બેહોશ થઈ ગયો હતો.
ઘટનાને પગલે બ્રિજ ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે જહેમત બાદ રાહદારીઓએ યુવકને ઉપર ખેંચ્યો હતો અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તે નીકળી ગયો હતો અને આણંદની હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરા નજીક આવેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નંદેસરી પોલીસે આ અંગે તપાસ શરૂૂ કરી છે.
બ્રિજ પર યુવકને લટકતા જોતા રાહદારીઓની મદદથી ઉગારી લીધો હતો- અશ્વીન સોલંકી સાંકરદા ગામના રહેવાસી અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે, હું પિતા સાથે જતો હતો ત્યારે યુવકને બ્રિજ પર લટકતો જોયો હતો.તે બેહોશ હતો. હું તાત્કાલિક ત્યાં ગયો હતો અને યુવકને રાહદારીઓની મદદથી ઉપર ખેંચી લીધો હતો. તે પછી તેને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
