જામનગર- રાજકોટ રોડ પર સાંઢીયા પૂલ પાસે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ અને રીક્ષા છકડા વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં રીક્ષા છકડાના ચાલક નું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજયું છે. પોલીસે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ બ્રિજ નજીક રહેતા અને રિક્ષા છકડો ચલાવતા છગનભાઈ વારા નામના 55 વર્ષના ભોય જ્ઞાતિના આધેડ કે જેઓ પોતાનો રીક્ષા છકડો લઈને જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર સાંઢીયા પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એમ.પી. 44 ઝેડ.બી. 7271 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે રીક્ષા છકડાને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં છગનભાઈ નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે હેમરેજ સહિતની ઈજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર રોહિત છગનભાઈ વારાએ ખાનગી લક્ઝરી બસના ચાલક સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.