રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું છે. જેમાં આજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ ચાલકને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ ઉપર ભગવતી સોસાયટીમાં રહેતો નઇમ રઝાકભાઈ સમા નામનો 38 વર્ષનો યુવાન પોતાની રીક્ષા લઈ આજીડેમ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચાલુ રિક્ષાએ હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર ગઈ કાલે બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ સોમાભાઈ ગુલ્લા (ઉ.વ.72) અચાનક પ્લેટ ફોર્મ પર ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન મૃતક દિવના ગુંચરવાડા ગામના હોવાનું જાણવા મળતા તેમના પતિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ રાજકોટ પગના દુખાવાની દવા લેવા આવ્યા હોવાનું ખુલ્યું હતું.
