સાવરકુંડલાના ઓળિયા પાસે ખાનગી બસ સાથે ઇકો અથડાતાં ચાલકનું મોત: માતા-પુત્રને ઇજા

અમદાવાદ નોકરી કરતા પુત્રને મળી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત સાવરકુંડલામાં રહેતો પરિવાર અમદાવાદ નોકરી કરતા પુત્રને મળવા ગયો હતો અને ત્યાંથી ઇકો કાર લઇ…

અમદાવાદ નોકરી કરતા પુત્રને મળી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત

સાવરકુંડલામાં રહેતો પરિવાર અમદાવાદ નોકરી કરતા પુત્રને મળવા ગયો હતો અને ત્યાંથી ઇકો કાર લઇ પરત ફરતા હતા. ત્યારે સાવરકુંડલાના ઓળિયા ગામ પાસે ઇકો ખાનગી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની અને પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલામાં આવેલા જેતલ રોડ ઉપર વૃંદાવન સોસાયટીમાં રહેતા મહેશભાઈ વાલજીભાઈ કારેલીયા (ઉ.વ.56) પોતાની પત્ની અને પુત્રને બેસાડી અમદાવાદથી સાવરકુંડલા આવી રહ્યા હતા ત્યારે ઓળિયા ગામ પાસે ખાનગી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇકો ચાલક મહેશભાઈ કારેલીયાનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેશભાઈ કારેલીયા બે ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે તેમનો પુત્ર પાર્થ અમદાવાદમાં નોકરી કરે છે જેથી મહેશભાઈ પોતાની પત્ની અને પુત્ર સાથે પાર્થને મળવા અમદાવાદ ગયા હતા અને ત્યાંથી મળીને પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *