નજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલત

કેટલાકને મકાન ભાડે મળી ગયા, કેટલાકને સરકારી આવાસ, અમુકે સગા-સંબંધીને ત્યાં આશરો લીધો છતા અનેક બેઘર જંગલેશ્ર્વર ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા જંગલેશ્ર્વર…

કેટલાકને મકાન ભાડે મળી ગયા, કેટલાકને સરકારી આવાસ, અમુકે સગા-સંબંધીને ત્યાં આશરો લીધો છતા અનેક બેઘર

જંગલેશ્ર્વર ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા

જંગલેશ્ર્વર વિસ્તારમાં રાજકોટ મહાપાલિકા દ્વારા ડિમોલિશન ચાલી રહ્યું છે તે પહેલાં જ શનિ-રવિ દરમિયાન મહત્તમ લોકોએ પોતે જ ઘર ખાલી કરી નાખ્યાં અથવા તો જાતે જ દબાણો તોડી પાડયા હતા. એક જ ઝાટકે છત છીનવાઈ જતાં મોટી સંખ્યામાં લોકો ઉપર આપ અને નીચે જમીન જેવી સ્થિતિમાં આવી ગયા છે.

દબાણકારો પૈકી અમુકને સરકારી આવાસ મળી ગયા છે. તો અમુકને ભાડે મકાન મળી ગયા છે. જયારે કેટલાક લોકો સગા સંબંધીઓના આશરે જતા રહ્યા છે. પરંતુ જે લોકોને કોઇ વ્યવસ્થા થઇ નથી તેની હાલત દયાજનક બની છે. આ ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ જાણે બદલાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે.
ટૂંકા ગાળામાં જ ઘર શોધવાનું હોય આખો દિવસ રઝળપાટ કર્યા બાદ કોઈને કુબલિયાપરામાં પાંચથી સાત હજાર રૂૂપિયાના ભાડે મકાન મળતાં ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા તો કોઈને ભાડું પરવડતું ન હોય જ્યાં સુધી ભાડાનું મકાન કે અન્ય કોઈ રહેઠાણ ન મળે ત્યાં સુધી પોતાના પરિવારજનને ત્યાં જો રૂૂમ કે ઓરડી ખાલી હોય તો ત્યાં રહેવા ચાલ્યું જવું પડયું હતું. ઘણા પરિવાર એવા પણ હતા જેમને રવિવાર રાત સુધી રહેવા માટે ઠેકાણું ન મળતાં હાલત કફોડી થઈ ગઈ હતી. આ બધાની વચ્ચે જેમનું ઘર છીનવાયું છે તેમની આંખમાં આંસુ જોવા મળ્યા હતા તો અનેક લોકોના ચહેરા ઉપર ‘હવે શું ?’ તેવી ચિંતા પણ જોવા મળી હતી.

સમગ્ર વિસ્તારમાં મુલાકાત લેતા અફરાતફરી અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. દાયકાઓ જૂના આશ્રયસ્થાનો ગુમાવતા અનેક લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, તો કેટલાક પરિવારોને હવે ક્યાં જવું અને ક્યાં રહેવું તેની ચિંતા સતાવી રહી હતી.

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેના વીડિયો પુરાવા પણ જાહેર કરાયા છે. તેથી આ વખતે કોઈ નવું વૈકલ્પિક આવાસ આપવામાં આવશે નહીં. જો કે, હજૂ અનેક પરિવારો એવા છે કે જેને હજૂ સુધી આવાસો મળ્યા નથી તેમની હાલત દયાજનક બની ગઇ છે.

ત્રણ દિવસથી અનેક લોકો ભૂખ્યા છતાં સેવાભાવી સંસ્થાઓ બેખબર કે આંખ મિચામણા ?

રાજકોટ શહેરમાં કોઈ ભુખ્યું ન સુવે તેવી કહેવત છે. શહેરમાં સદાવ્રત કરતી અનેક સંસ્થાઓ દ્વારા શિયાળા, ચોમાસા દરમિયાન લોકોની વ્હારે આવી તમામ પ્રકારની મદદ કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જંગલેશ્ર્વરમાં ડિમોલિશન મુદ્દે લોકો પોતાની ઘરવખરી અન્ય સ્થળે ખસેડતાં હોવાથી તેમજ જાતે દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતાં. પરિવારના તમામ સભ્યો કામમાં લાગેલા હોય અને ઘર વખરી ન હોવાથી અનેક ઘરના ચુલા ત્રણ ત્રણ દિવસથી ન સળગતા બાળકો સહિતના પરિવારોએ ભુખ વેઠવાનો વારો આવ્યો હતો અને આ કપરા સમયે આખુ વર્ષ દરેક સેવાના કાર્યમાં દોડતી એક પણ સંસ્થાઓએ પણ આ મુદ્દે ધ્યાનમાં ન લઈ પોતાની માનવતા મુકી હતી તેવી ચર્ચા જાગી હતી. રાજકોટ શહેરમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ દરમિયાન અનેક સંસ્થાઓ ધાબળા વિતરણ તેમજ છાશ વિતરણ અને ચોમાસા દરમિયાન લોકોનું સ્થળાંતર થયેલું હોય તેવા લોકોને ભોજન સહિતની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. સંસ્થાઓ દ્વારા માનવ ધર્મ એ જ સેવાના નેજા હેઠળ અનેક પ્રકારનાં કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જંગલેશ્ર્વરમાં નદીના પાણી ઘુસી જાય ત્યારે પણ કાંઠા વિસ્તારનાં લોકોનું સ્થળાંતર થયું હોય ત્યાં જઈને લોકોને ભોજન પીરસવામાં આવતું હોય છે. પરંતુ આ તમામ સેવા ભાવનાઓ સંસ્થાઓ ત્રણ દિવસથી ભૂલી ગઈ હોય તેમ જંગલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક પરિવારોના ચુલા નથી સળગયા અને લોકો ભુખથી ટડવળી રહ્યાં હતાં. છતાં તેઓને જઠરાંગ્ની ઠારવા માટે આખુ વર્ષ દોડતી સંસ્થાઓના એક પણ કાર્યકરો આગળ આવ્યા ન હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *